- લારી-ગલ્લા અને શેડ પર બુલડોઝર ફેરવાયું, ટ્રાફિક સમસ્યા હળવી કરવા સંયુક્ત કાર્યવાહી
- વોર્ડ-12 અને TDO ટીમ જોડાઈ, જાહેર માર્ગો ખુલ્લા રાખવા કડક પગલાંની જાહેરાત
વડોદરાના ખિસકોલી સર્કલ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આજે પુનઃ એકવાર કડક દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અગાઉ પાલિકાની દબાણ શાખા દ્વારા આ સ્થળેથી હંગામી દબાણો હટાવવામાં આવ્યા હોવા છતાં, થોડા જ દિવસોમાં સ્થિતિ પૂર્વવત્ બની ગઈ હતી અને સ્થાનિક વેપારીઓ તથા ફેરિયાઓ દ્વારા રોડ લાઈનમાં ફરીથી લારી-ગલ્લાં અને પથારા ખડકી દેવાયા હતા. આ પરિસ્થિતિને પગલે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાથી મનપાની ટીમે આજે 25 ઓગસ્ટે અચાનક ત્રાટકીને સઘન કામગીરી હાથ ધરી હતી અને સમગ્ર રોડ લાઈન ખુલ્લી કરાવી હતી.
પાલિકાની ટીમ દ્વારા સ્થળ પર બુલડોઝરની મદદ લઈ રોડ પર નડતરરૂપ બનતા લારી-ગલ્લા તેમજ ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલા શેડ અને પાકા ઓટલાના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દબાણ શાખાની આ આક્રમક કામગીરી દરમિયાન રસ્તા પરથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં લારી-ગલ્લા અને અન્ય પરચુરણ સામાન મળીને 10 ટ્રકનો સામાન પાલિકા દ્વારા કબજે લેવાયો હતો.

પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે અચાનક દબાણો ઊભા કરનારાઓમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વ્યાપક દબાણ હટાવ ઝુંબેશને સફળ બનાવવા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12નો સ્ટાફ, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (TDO) વિભાગ, દબાણ નિવારણ શાખા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા અટલાદરા પોલીસ સ્ટેશનનો કાફલો સંયુક્ત રીતે જોડાયો હતો.
ખિસકોલી સર્કલ પાસે દૈનિક ધોરણે વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી અને ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી હોવાથી મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જાહેર માર્ગો પર સ્વેચ્છાએ દબાણો ન દૂર કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ રીતે બુલડોઝર ફેરવી કડક કાનૂની પગલા ભરવામાં આવશે. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


