- પૂર્વ અને દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પણ રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાના દબાણો દૂર કરી બેટ્રક સામાન જપ્ત કરાયો, ટીડીઓ અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમો દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જાહેર માર્ગ પર નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વોર્ડ નં.8 વિસ્તારમાં કાન્હા કેપિટલ, અલકાપુરી વિસ્તારમાં રોડ લાઇનમાં આશરે 80 મીટર જેટલો ગેરકાયદે બનાવવામાં આવેલો રેમ્પ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી-ગલ્લાના દબાણો, 6થી 7 કાચા શેડ તેમજ ત્રણ ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન સંબંધિત વોર્ડ કચેરી, ટાઉન ડેવલપમેન્ટ વિભાગ (ટીડીઓ), દબાણ શાખા સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર રહી સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહ્યો છે.
આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પણ રસ્તા પર નડતરરૂપ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન બે ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં નવલખીથી ગાંધીનગર ગૃહ સુધી નીકળનારી તિરંગા યાત્રાના રૂટને અવરોધમુક્ત બનાવવા માટે દબાણ અંગેની કામગીરી હાથ ધરાશે.


