મકાનોમાં પેઈંગ ગેસ્ટ એટલે કે ત્રણથી ચાર લોકોને એક જ રૂમમાં રાખશો તો હવે કમર્શિયલ વેરો ભરવો પડશે

શહેરમાં સર્વે કરી નિયમનો કડક અમલ કરવા સૂચના, એક-બે દિવસમાં નવો પરિપત્ર બહાર પડાશે

MailVadodara.com - If-you-keep-paying-guests-in-your-house-ie-three-to-four-people-in-the-same-room-you-will-now-have-to-pay-commercial-tax

- જો એક ભાડુઆતને મકાન ભાડે આપ્યું હશે તો તે કમર્શિયલ નહીં ગણાય

- રેવન્યુ વિભાગના એએમસી સુરેશ તુવેરે કહ્યું, નિયમ છે, પરંતુ વધુ સક્રિય કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી એક-બે દિવસમાં નવો પરિપત્ર બહાર પાડી વોર્ડ કક્ષાએ પહોંચાડવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ પરિપત્ર અનુસાર જે રહેણાક મકાનોમાં પેઈંગ ગેસ્ટ એટલે કે ત્રણથી ચાર લોકોને એક જ રૂમમાં રાખવામાં આવતા હશે અને તેનો હોસ્ટેલ તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હશે, તેને હવે કમર્શિયલ વેરો ભરવો પડશે. આ અંગેનો સર્વે કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. આ નિયમનો કડક અમલ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.

વડોદરા શહેર તેમજ આસપાસ ઔદ્યોગિક વિસ્તાર છે. સાથે સાથે અભ્યાસ માટેની પણ અનેક ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે, જેના કારણે બહારથી વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે. જેઓ સામાન્ય રીતે હોસ્ટેલના બદલે PG (પેઈંગ ગેસ્ટ) તરીકે રહેવાનું પસંદ કરે છે. એક મકાનમાં ત્રણ કે ચાર વિદ્યાર્થીઓ સાથે રહે તો તેઓને સસ્તું પણ પડે છે અને હોસ્ટેલની ઝંઝટ પણ નથી રહેતી. કેટલાક મકાનધારકો આવા લોકોને મકાન ભાડે આપી ભાડું વસુલે છે.

મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગના એએમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, રહેણાક મિલકતોમાં કે જેનો કમર્શિયલ ઉપયોગ થતો હશે તો તેવી મિલકતોને કમર્શિયલ ગણીને આકારણી કરવાનો નિયમ છે જ, પરંતુ તેને વધુ સક્રિય કરવા માટે પરિપત્ર બહાર પાડી વોર્ડમાં આપવામાં આવશે.

એએમસી સુરેશ તુવેરે ઉમેર્યું હતું કે, જો એક ભાડુઆતને મકાન ભાડે આપ્યું હશે તો તે કમર્શિયલ નથી ગણાતું, પરંતુ એક જ મકાનમાં ત્રણથી ચાર કે તેથી વધુ લોકોને ભાડે આપ્યું હશે તો તે હોસ્ટેલની કેટેગરી અથવા તો કમર્શિયલ કેટેગરીમાં ગણાશે. તેની આકારણી તે મુજબની કરી વેરો તે પ્રમાણેનો વસુલવામાં આવશે.

Share :

Leave a Comments