વડોદરા કોર્પોરેશન અંદાજિત 3 કરોડ ઉપરાંતની રકમ નહીં ચૂકવે તો સિટી બસના પૈડાં થંભી જશે

વિનાયક એજન્સીને નવેમ્બર મહિનાનું બિલ ન ચૂકવતા 550 જેટલા કર્મચારીઓનો પગાર અટક્યો

MailVadodara.com - If-Vadodara-Corporation-does-not-pay-an-estimated-amount-of-over-3-crores-the-wheels-of-the-city-bus-will-stop

- વડોદરા શહેરમાં 2017થી ચાલતી સિટી બસ સેવા હવે ટૂંક સમયમાં બંધ થાય તો નવાઈ નહીં

- વિનાયક લોજેસ્ટિકના મેનેજરે કહ્યું, જો બિલ નહિ ચૂકવાય તો સીટી બસ સેવા બંધ કરી દઈશું

વડોદરા શહેરમાં વર્ષ 2017થી ચાલતી સિટી બસ સેવા હવે ટૂંક સમયમાં બંધ થાય તો નવાઈ નહીં. કારણ કે આ બસ સેવા માટે સ્માર્ટ સિટી દ્વારા નવેમ્બરથી મહિનાના બિલ આ એજન્સીને ચૂકવવામાં આવ્યા નથી. અંદાજિત 3 કરોડ ઉપરાંતની રકમ ન ચૂકવતા વિનાયક લોજેસ્ટિક આ સેવા આગામી 1 જાન્યુઆરી બંધ કરે તો નવાઈ નહીં. વિનાયક લોજેસ્ટિકના મેનેજરે સ્પષ્ટ કહ્યું છે કે જો બિલ નહિ ચૂકવાય તો સીટી બસ સેવા બંધ કરી દઈશું. ત્યારે આ અંગે સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારી દ્વારા નોટિસનો જવાબ યોગ્ય રીતે અપાય છે કે પછી રોજે બરોજ 80 હજારથી વધુ મુસાફરી કરતા મુસાફરો અટવાય છે તે તો આવનાર સમય બતાવશે.

આ અંગે વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમારી વિનાયક સિટી બસ સર્વિસ વર્ષ 2017થી સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહી છે. સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ છે વર્ષ 2017થી ચાલુ છે, એમાં અમારા કરાર થયેલા હતા. એટલે અમે 160 બસ ચલાવતા હતા. આ બસ સેવામાં વિદ્યાર્થીઓને 50 ટકા કન્સેશન આપીએ છીએ, અપંગ વ્યક્તિઓને 80 ટકા કન્સેશન આપીએ છીએ સાથે નોકરીયાત વર્ગને 30 ટકા કન્સેશન આપીએ છીએ.

વધુમાં કહ્યું કે, હવે પરિસ્થિતિ એવી છે કે, અત્યારે નવેમ્બરથી 'સ્માર્ટ સિટી પ્રોજેક્ટ' બંધ થઇ ગયો છે તેવું કહેવામાં આવે છે. હવે અમારે કોર્પોરેશનમાંથી બિલ લેવાનું છે. અમારું બિલ દર વખતે જતું, પણ નવેમ્બરનું જે બિલ અમે મુકેલું એનો આજ દિન સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એમ કહે છે કે ફાઈલ મંજુર થશે પછી ખબર પડશે કે તમારે ક્યાંથી બિલ લેવાનું છે. હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી કે તમારે બિલ ક્યાંથી લેવું તો અમારે અત્યારે 550 કર્મચારીઓ છે, તેઓને પગાર ક્યાંથી કરશું? દર મહિનાની 20 તારીખે અમે બધાને ઉપાડ આપીએ છીએ.

વધુમાં કહ્યું કે, પરંતુ ગત 20 તારીખે અમે ઉપાડ આપી શક્યા નથી, જેના કારણે કર્મચારીઓમાં પણ રોષ છે. 20 તારીખે ઉપાડ નથી આપ્યો, એટલે પહેલી તારીખે અમારે પૂરો પગાર કરવો પડે છે. નવેમ્બરનું બિલ હજુ આવ્યું નથી અને આજે ડિસેમ્બરની 26 તારીખ થઇ ગઈ છે, એટલે હવે બે બિલ ભેગા થશે. આવી સ્થિતિમાં અમે આટલા બધા કર્મચારીઓને પગાર ચુકવી શકીએ તેમ નથી.

વધુમાં કહ્યું કે આ બાબતે અમે નોટિસ આપી છે. જો આ નોટિસનો જવાબ નહીં મળે અથવા અમને કોઈ લેખિત ખાતરી નહીં આપવામાં આવે કે બિલ આ રીતે ચૂકવાશે, તો અમે આવતી પહેલી તારીખથી સિટી બસ સેવા બંધ કરી દેશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે સ્માર્ટ સિટીના સીઈઓ અને કોર્પોરેશનમાં ડીવાયએમસી વી. એમ. રાજપૂતે જણાવ્યું કે, સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો છે કે આ સેવા કોર્પોરેશન હસ્તક કરવામાં આવી છે. નવેમ્બર પછીના બિલ કોર્પોરેશન ચૂકવશે જે કદાચ પ્રોસેસમાં હશે. તેઓએ આપેલી નોટિસનો અમે જવાબ આપીશું અને પગલાં ભરીશું અમને હજુ નોટિસ મળી નથી.

Share :

Leave a Comments