- આરોપી પતિ લક્ષ્મણ ઉર્ફે રાજુ ઐયલ ગોડસે તેના મૂળ વતન તેલંગાણાના નાલગોંડામાં બિન્ધાસ્ત ફરતો હતો અને જવાહરનગર પોલીસે 3500 કિમી દૂર જઈને પકડી પાડ્યો હતો
વડોદરા શહેરમાં 2010માં પતિએ કરેલી પત્નીની હત્યાના ગુનામાં 15 વર્ષથી નાસતા-ફરતા આરોપી લક્ષ્મણ ઉર્ફે રાજુ ઐયલ ગોડસેને જવાહરનગર પોલીસે 3500 કિલોમીટર દૂર તેલંગાણા જઇને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પકડવા માટે 10 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

મૂળ તેલંગાણા નાલગોંડાના મૃથ્યુલામા ગુડેમ ગામે રહેતો લક્ષ્મણ ઉર્ફે રાજુ ઐયલ ગોડસે પત્ની ગીતાબેન સાથે વર્ષ 2010માં રણોલી ગામે આવેલા રેલવે ક્વાર્ટર્સ પાસે રહેતો હતો. 27 ફેબ્રુઆરી, 2010માં લક્ષ્મણ ઉર્ફે રાજુની પત્ની ગીતાબેનને શંકા ગઈ હતી કે, પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ છે. જોકે જે-તે સમયે આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે લક્ષ્મણ પત્ની પર કેરોસીન છાંટીને આગ ચાંપી ફરાર થઈ ગયો હતો. ગીતાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન ગીતાબેનનું મોત થયું હતું. આ મામલે ગીતાબેનના પિતાએ 28 ફેબ્રુઆરી, 2010ના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પહેલાં આ મામલે હત્યાનો પ્રયાસ પછી હત્યાનો ગુનો નોંધાયો હતો. લક્ષ્મણ છેલ્લાં 15 વર્ષથી નાસતો-ફરતો હતો. જેથી પોલીસ દ્વારા તેની સામે કોર્ટમાંથી CRPC કલમ 70 હેઠળ વોરંટ મેળવવામાં આવ્યું હતું.
જવાહરનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. પરમારના નેતૃત્વમાં ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બાતમીના આધારે જાણવા મળ્યું હતું ક,ે આરોપી પરિવાર સાથે ૩ મહિના રાજસ્થાનમાં રોકાયો હતો અને હાલ એક મહિનાથી આરોપી તેના મૂળ વતન મૃથ્યુલામા ગુડેમ ગામ, દુરસેવલ્લી, તા. કટંગુર, જી. નાલગોંડા (તેલંગાણા)માં રોકાયો છે. જેથી આરોપીના સીડીઆર અને લોકેશન મેળવી જવાહરનગર પોલીસે આરોપીને 3500 કિલોમીટર દૂર તેલંગાણા જઈને પકડી પાડ્યો હતો.
જવાહરનગર પોલીસ મથકના પીઆઇ જે.એન.પરમારે જણાવ્યું હતું કે, આરોપી 15 વર્ષથી ફરાર હતો. તે ટોપ-10 વોન્ટેડ લીસ્ટમાં હતો અને આરોપી ઉપર રૂ.10 હજારનું ઈનામ હતું. આ કેસને લઈ સતત 10 દિવસ સુધી ઝીણવટભરી તપાસ કરી હતી. આરોપી તેલંગાણા હોવાની માહિતી અમને મળતા માહિતીની ખરાઈ કરીને સર્વેલન્સ ટીમે તેલંગાણા પહોંચી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે અને આરોપીને વડોદરા લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


