- ફ્રોઝન નોન-વેજ યુનિટોમાં નિયમભંગ ઝડપાયો
- અલકાપુરીના રીટેલર પર અસ્વચ્છતા બદલ રૂ.10 હજારનો દંડ ફટકારાયો
- વાસણા-ભાયલી અને તાંદલજાની બે યુનિટને શિડ્યુલ-4 નોટિસ ફટકારાઈ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી આકસ્મિક ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. પાલિકાની ખોરાક શાખાએ સમયાંતરે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરના વિવિધ 58 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતાં. આગામી સમયમાં ચોમાસાની સીઝન આવી રહી છે જેને ધ્યાને લઈને ફ્રોઝન કરેલા ખોરાક ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા એક સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશ અંતર્ગત વડોદરા શહેરના ન્યુ સમા રોડ, સરદાર એસ્ટેટ, ઓલ્ડ પાદરા રોડ, વાસણા, વાસણા-ભાયલી રોડ, તાંદલજા અને ગોરવા જેવા ધમધમતા વિસ્તારોમાં કાર્યરત ફ્રોઝન નોન-વેજ ખાદ્ય પદાર્થોના કુલ 9 જેટલા રીટેલર યુનિટો પર ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા સઘન ઇન્સપેક્શનની કામગીરી કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન જણાતા 2 રીટેલર યુનિટોને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ શીડ્યુલ-4ની કડક નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં વાસણા-ભાયલી રોડ પર આવેલ ધ મેપલ્સ નામના રીટેલર યુનિટમાં તપાસ કરતા શાકાહારી ખોરાક માટેના ગ્રીન સિમ્બોલવાળા ડીપફ્રીઝની અંદર ફ્રોઝન નોન-વેજ ફૂડ સંગ્રહિત કરેલું મળી આવ્યું હતું, જેને પગલે ઓપરેટરને નોટિસ અપાઈ હતી.
તેવી જ રીતે, તાંદલજા વિસ્તારમાં સ્થિત પીક એન્ડ ઈટ યુનિટ પર તપાસ દરમિયાન ફ્રોઝન નોન-વેજ ફૂડને મોટા પેકિંગમાંથી ગેરકાયદેસર રીતે નાના પેકિંગમાં રી-પેક કરવાની પ્રવૃત્તિ ઝડપાઈ હતી અને સંચાલકે નિયમ મુજબ લાયસન્સ પણ ડિસ્પ્લે કર્યું ન હોવાથી તેને પણ શીડ્યુલ-4 ની નોટિસ આપવામાં આવી હતી.
વડોદરા પાલિકાની ફૂડ શાખા દ્વારા સમગ્ર શહેરમાં ખાણી-પીણીની અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમો પર પણ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કામગીરી હેઠળ પ્રતાપનગર-લાલબાગ રોડ, તુલસીધામ ચાર રસ્તા, પાટીદાર ચોકડી, માંજલપુર ગામ, નેશનલ હાઇવે નં. 8-તરસાલી, ગોત્રી, અલકાપુરી, હરિનગર, ગોરવા, છાણી જકાતનાકા, નવાયાર્ડ, લકડીપુલ-દાંડિયાબજાર, મહાવીર હોલ ચાર રસ્તા, જેતલપુર રોડ, ઇલોરાપાર્ક, ઇસ્કોન મંદિર સામે, સમા-સાવલી રોડ સહિતના વિસ્તારોમાંથી 15-રીટેલર, 9-ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લીશમેન્ટ, 3-ઉત્પાદક પેઢી અને 7-રેસ્ટોરન્ટ મળીને કુલ 26 ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા યુનિટો પર તપાસનો કોરડો વીંઝવામાં આવ્યો હતો.
આ આકસ્મિક તપાસ દરમિયાન અધિકારીઓ દ્વારા દૂધ, ઘી, માવો, બટર, આઈસ્ક્રીમની વિવિધ ફ્લેવર (વેનીલા, ચોકલેટ, કાજુદ્રાક્ષ, રાજભોગ, બટરસ્કોચ), મેંગો મિલ્ક શેક, કેક, શ્રીખંડ, મઠો, વિવિધ ખાદ્યતેલો (કપાસિયા, સિંગતેલ, સનફ્લાવર), ડ્રાયફ્રૂટ્સ, ચા, મસાલા પાવડર (મરચું, હળદર, ધાણાજીરું), કઠોળ તેમજ રેડી-ટુ-સર્વ પ્રિપેર્ડ ફૂડ (બટાકાનું શાક, મશૂર, દાળ, પાલક પનીર અને સૂપ) સહિત કુલ 58 જેટલા વિવિધ ખાદ્યપદાર્થોના કાયદેસરના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને સત્તાવાર પૃથ્થકરણ અને ગુણવત્તાની ચકાસણી અર્થે ફતેગંજ ખાતે આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ વ્યાપક સફાઈ ઝુંબેશ દરમિયાન વડોદરા કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ટીમે પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા એકમો સામે પણ લાલ આંખ કરી હતી. આ કામગીરી અંતર્ગત સંબંધિત વોર્ડ કચેરીની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમોને શીડ્યુલ-4 ની નોટિસ ફટકારવાની સાથે કુલ રૂ. 10,000નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કડક ઝુંબેશના ભાગરૂપે વડોદરાના પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાં આવેલ જાણીતા રીટેલર યુનિટ ધ ફૂડ રમીથ્સ આઈ.એન.સી. માં પણ આકસ્મિક ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત આઉટલેટની અંદર તપાસ દરમિયાન ભારે અસ્વચ્છતા અને અનહાઇજેનિક કન્ડિશન માલૂમ પડી હતી, જેને કારણે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ભીતિ હોવાથી તંત્ર દ્વારા તેને તાત્કાલિક અસરથી શીડ્યુલ-4 ની નોટિસ આપવામાં આવી હતી. આ સાથે જ આ એકમમાં વ્યાપક પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું પણ પકડાઈ જતાં, વોર્ડ કચેરીની સંયુક્ત ટીમે સ્થળ પર જ કડક વલણ અપનાવીને રૂ. 10,000નો દંડ ફટકારીને વસૂલાત કરી હતી.


