કંપનીઓ આસપાસ રેકી કરી મજૂરોના મોબાઇલ ચોરતો રીઢો ચોર રૂા.2.60 લાખના 20 મોબાઇલ સાથે ઝડપાયો

પરપ્રાંતિયોના ચોરેલા ફોન નેપાળમાં વેચતો હોવાનો ખુલાસો, જિલ્લા LCB પોલીસે પર્દાફાશ કર્યો

MailVadodara.com - Habitual-thief-caught-with-20-mobile-phones-worth-2-60-lakh-after-scouting-company-premises-and-stealing-workers-phones

- ખટંબા-જરોદમાંથી મોબાઇલ ચોરનાર ગોરવામાં રહેતા અને મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવતો વિક્રમ કોલીની કપુરાઈ ચોકડી પાસેથી ધરપકડ, અગાઉ પણ 70 મોબાઇલ સાથે ઝડપાયો હતો

ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિયોના મોબાઇલો તફડાવી તેને નેપાળમાં વેચી દેવાનું નેટવર્ક જિલ્લા પોલીસે ઝડપી પાડયું છે. કપુરાઇ ચોકડી પાસેથી ગોરવા વિસ્તારમાં રહેતા તેમજ મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવતા રીઢા મોબાઇલ ચોરને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કપુરાઇ ચોકડી પાસે જિલ્લા એલસીબીની ટીમ વોચમાં હતી ત્યારે એક શખ્સ ભૂરા રંગની થેલી લઇને ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી થેલીમાં તપાસ કરતાં અંદરથી ૧૯ તેમજ ખિસ્સામાંથી એક મોબાઇલ મળી કુલ રૂા.૨.૬૦ લાખ કિંમતના ૨૦ મોબાઇલ મળ્યા હતાં. આ મોબાઇલની માલિકી અંગેના કોઇ પુરાવા તે રજૂ કરી શક્યો ન હતો. દરમિયાન તાજેતરમાં જ ખટંબા ગામે બે કંપનીમાં કામ કરતા મજૂરોના ચોરી થયેલા આઠ મોબાઇલ પણ તેની પાસેથી મળ્યા હતાં. આ ઉપરાંત જરોદ પાસેથી પણ મોબાઇલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું નામ વિક્રમ ઉર્ફે વિકો લાલજી કોલી (રહે.સોનીયાપાર્ક સો., પંચવટી પાસે, ગોરવા, મૂળ બાદલપુર, તા.રાપર, જિલ્લો કચ્છ) અને ગોરવામાં મોબાઇલ રિંપેરિંગની દુકાન ધરાવે છે તેમ જણાવ્યું હતું. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે રીઢો મોબાઇલચોર છે. અગાઉ તે ૭૦ મોબાઇલ સાથે પણ મંજુસરની હદમાં ઝડપાયો હતો. તેની સામે કુલ ચાર ગુના દાખલ થયા છે.

પોલીસની પૂછપરછમાં એવી વિગતો બહાર આવી હતી કે નાની કંપનીઓની આજુબાજુ રહેતા પરપ્રાંતિયોની રેકી કર્યા બાદ તેમના મોબાઇલ ચોરી કરી તે પોતાની દુકાનમાં લાવતો હતો અને નેપાળમાં સસ્તા દરે વેચી દેતો હતો. મોબાઇલચોરીની ફરિયાદ પણ દાખલ થાય અને પોલીસ તપાસ કરે તો મોબાઇલનું લોકેશન નેપાળ નીકળે તો સામાન્ય સંજોગોમાં પોલીસ ત્યાં જવાનું ટાળતી હતી. આવા સંજોગોમાં ઝડપાયેલા વિક્રમ ઉર્ફે વિકો ઝડપાઇ જતા ચોરીના ભેદ ઉકેલાયા છે.

Share :

Leave a Comments