- જીમ ટ્રેનર અમેરિકાની કંપનીમાં નોકરી કરતી સોફ્ટવેર એન્જિનિયરનો પીછો કરીને તેને બિભત્સ ઈશારા કરતો હતો, યુવતી જ્યારે ઘરે જાય તો વાસુ ત્યાં આવીને ઉભો રહેતો હતો
ગોત્રીમાં સોસાયટીની બે છોકરીનો પીછો કરી હેરાન કરનાર જીમ ટ્રેનરની ગોત્રી પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જીમ ટ્રેનર અમેરિકાની કંપનીમાં નોકરી કરતી સોફ્ટવેર એન્જિનિયરનો પીછો કરીને તેને બિભત્સ ઈશારા કરતો હતો. જેને લઈ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જીમ ટ્રેનરે યુવતીને ધમકીઓ પણ આપી હતી.
ગોત્રી ખાતે રહેતી યુવતી અમેરીકાની કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે વર્ક ફ્રોમ હોમ કરે છે. તેમની સોસાયટીમાં રહેતો જીમ ટ્રેનર વાસુ નામનો યુવક સોસાયટીના કારોબારી સભ્યની પુત્રીનો અવારંવાર પીછો કરીને હેરાન કર્યા કરતો હતો. જોકે કારોબારી સભ્યે પોતાની પુત્રી બાબતે વાસુને ઠપકો આપતા તેને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું.
જોકે તે કારોબારી સભ્ય કંસ્ટ્રક્શનનું કામ કરતા હોવાથી જૂન મહિનામાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીના ઘરે પાણીની ટાંકીના રિપેરિંગ કામે ગયા હતા. જેથી વાસુને લાગ્યું હતું કે, સોફ્ટવેર એન્જિનિયર યુવતીના પિતા પણ કારોબારી સભ્યને સપોર્ટ કરે છે. જેથી તેમ વીચારીને વાસુએ સોફ્ટવેર એન્જિ.નો પીછો કરવાનું શરૂ કર્યું હતું. યુવતી જ્યારે ઘરે જાય તો વાસુ ત્યાં આવીને ઉભો થઈ જતો હતો. ત્યારબાદ યુવતી ઘરે હોય ત્યારે વાસુ પોતાના ઘરના ઢાબે જતો રહેતો હતો અને યુવતીને જોઈને બિભત્સ ઈશારા કરતો હતો.
યુવતીએ આ મામલે તેના પિતાને જાણ કરી હતી. પિતાએ વાસુના પિતાને જાણ કરતા વાસુ ઉશ્કેરાઈ ગયો હતો. તે યુવતીના પિતા અને યુવતીને જેમ-તેમ બોલવા લાગ્યો હતો. ત્યારબાદ વાસુએ યુવતીને કહ્યું હતું કે, તુ બહાર તો નીકળ હું તને બતાવુ છું. હું તારી સાથે શું કરૂં છું, અને તારા જેવી તો હું દસ છોકરીને લઈને ફરુ છું. ત્યારબાદ પણ વાસુ યુવતીનો વારંવાર પીછો કર્યા કરતો હતો. ત્યારે આ સમગ્ર મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધીને વાસુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


