વડોદરાના નિવૃત્ત કર્મચારી સાથે સસ્તા ભાવે સરકારી જમીન અપાવવાની અને દીકરાને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.14.09 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે પીડિત વૃદ્ધે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સમા-સાવલી રોડ પર આવેલા અજીતાનગરમાં રહેતા 64 વર્ષીય ચંદુભાઈ ગોહીલે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાંથી નિવૃત્ત થયા છે. દોઢેક વર્ષ અગાઉ તેમના મિત્ર રમણભાઈ ગોહીલે ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી રમેશભાઈ ઉર્ફે મહેશભાઈ વાઘેલા સાથે પરિચય કરાવ્યો હતો.
રમેશભાઈ વાઘેલાએ સાવલી ખાતે KJIT કેમ્પસ સામે આવેલી સરકારી જમીન નજીવા ભાવે અપાવી આપવાની ખાતરી આપી હતી. ચાર એકર જમીન રૂ.3.85 લાખમાં અપાવવાની વાત કરી સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ જમીનની એન્ટ્રી, સ્ટેમ્પ ડ્યુટી, કોર્ટ કમિશનરની પરવાનગી, ફેન્સિંગ સહિતના વિવિધ ખર્ચના બહાને તબક્કાવાર રૂપિયા માંગવામાં આવ્યા હતા.
માર્ચથી મે-2025 દરમિયાન મંજુસર, ફતેગંજ, જુબિલીબાગ, મુક્તાનંદ અને અન્ય સ્થળોએ રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે અનેક હપ્તામાં રકમ ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત તેમના પુત્ર સિદ્ધાર્થને તલાટીની નોકરી અપાવવાના બહાને પણ રૂ.3 લાખ લેવામાં આવ્યા હતા. સોનાની લગડી અપાવવાના બહાને અને અન્ય ખર્ચના નામે પણ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આરોપી રમેશભાઈ વાઘેલાએ કુલ 14,09,200 રૂપિયા વસૂલ્યા હોવા છતાં આજદિન સુધી જમીન અપાવી નથી કે કોઈ રકમ પરત કરી નથી. ત્યારબાદ આરોપીએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં ચંદુભાઈ ગોહીલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


