- ડોક્ટરે આરોપી કૃપાલી પટેલ (રહે.અમદાવાદ), મહાદેવભાઇ, પ્રકાશ પટેલ તથા અન્ય પાંચ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી!
વડોદરાના ડોક્ટરનો વોટ્સએપ પર સંપર્ક કરી ૨૭ વર્ષની યુવતીએ મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસના સ્વાંગમાં આવેલા યુવતીના સાગરીતોએ ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા હતા.
વડોદરાના ડોક્ટર સાથે કૃપાલી પટેલ નામની યુવતીએ વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કૃપાલી પટેલે ડોક્ટરને મળવા માટે સયાજીપુરા ગામ રોડ પર મળવા બોલાવતા ડોક્ટર ગત તા.૩જી ફેબુ્રઆરીએ કાર લઇને ત્યાં ગયા હતા. યુવતીએ કારમાં બેઠા પછી નાસ્તો કરવો છે. તેવું કહીને ડોક્ટરને હાઇવે પર કેનાલ પાસે લઇ ગઇ હતી. થોડીવારમાં જ આરોપીઓ આવી પહોંચ્યા હતા. પોલીસની ઓળખ આપી તેઓએ જણાવ્યું હતું કે, કૃપાલી ડ્રગ્સનો ધંધો કરે છે. તેને પકડવાની છે. તમે પણ એની સાથે છો,તમને પણ પકડવાના છે. ત્યારબાદ આરોપીઓએ ડોક્ટરને માર મારી મોબાઇલ ફોન લઇ લીધો હતો. કારમાં ડોક્ટરને બેસાડયા પછી આરોપીઓએ કહ્યુું કે, જો આ કેસનો નિકાલ કરવો હોય તો પાંચ લાખ અમારા અધિકારીને આપવા પડશે તથા ૩૦ હજાર મને આપવા પડશે તો જ કેસનો નિકાલ કરી આપીશું.
ડોક્ટર રૂપિયા આપવા તૈયાર થતા આરોપીઓ તેઓને લઇને અલકાપુરીની યુનિટી બેન્કમાં લઇ ગયા હતા. પંરતુ, બેંક મેનેજરે ચેક વગર રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ ડોક્ટરને લઇને તેમના ઘરે ગયા હતા અને ત્યાંથી ચેકબૂક લઇ બેંકમાં આવી ૬ લાખ વિડ્રો કરાવી લઇ લીધા હતા. જ્યારે ૧૦ હજાર વધુ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ આજવા ચોકડી તેઓને ઉતારીને જતા રહ્યા હતા. આ અંગે ડોક્ટરે કૃપાલી પટેલ, ઉં.વ.૨૭ (રહે.અમદાવાદ), મહાદેવભાઇ, પ્રકાશ પટેલ તથા અન્ય પાંચ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓ આટલેથી અટક્યા ન હતા. તા.૯મી માર્ચે આરોપીઓ ફરીથી ડોક્ટરના ઘરે પહોંચી ગયા હતા. મારે વાત કરવી છે, તેવું કહીને તેઓએ ડોક્ટરને ગાડીમાં બેસાડયા હતા. ત્યારબાદ કહ્યું હતું કે, કૃપાલીએ આપઘાત કર્યો છે. તેમની માતાએ ફરિયાદ નોંધાવી છે. તમે પોલીસવાળાને ઓળખી બતાવો તો તમે આપેલા ૬ લાખ પરત અપાવી દઉં. ત્યારબાદ આ લોકો ડોક્ટર પાસે કોરા કાગળમાં સહી કરવાનું કહ્યુુ હતું. પરંતુ, ડોક્ટરે સહી કરી નહતી. આરોપીઓ મને ડરાવી ધમકાવી પૈસા પડાવી બદનામ કરવાની કોશિશ કરી રહ્યા હોવાની ફરિયાદ છેવટે ડોક્ટરે નોંધાવી હતી.


