- ગઠિયાએ યુવકને કહ્યું, તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે જેથી યુવક નીચે ઉતરી ચેક કરવા જતાં બેગની લૂંટ કરી ફરાર થઇ ગયો
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બેંકમાં રૂપિયા ભરવા આવેલા યુવક પાસેથી લૂંટારૂ રોકડા બે હજાર અને એટીએમ કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજ ભરેલા બેગની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. લૂંટારોએ યુવકને તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે તેમ કહી ખેલ પાડ્યો હતો. સમાના આવાસ મકાનમાં રહેતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના સમા વિસ્તારમાં આવેલા પીએમ આવાસમાં રહેતા મહેશભાઈ પરમાર નામનો યુવક હરણી રોડ પર આવેલી ફટાકડાની દુકાન પર નોકરી કરે છે. શનિવારના રોજ સવારે યુવક પોતાની ઇકો ગાડી લઈને પ્રેરક બંગલા સામે આવેલી બેંકમાં રૂપિયા ભરવા માટે ગયો હતો. રૂપિયા ભરીને યુવક પરત આવ્યો હતો ત્યારે ચાલતા આવેલા ગઠિયાએ યુવકને કહ્યું હતું કે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે. જેથી યુવક નીચે ઉતરી ચેક કરવા ગયો હતો. ત્યારે ગઠિયો યુવક પાસેથી રોકડ રકમ બે હજાર તથા એટીએમ કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજ ભરેલા બેગની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. મહેશભાઈ પરમારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કારેલીબાગ પોલીસે લૂંટ કરનાર યુવકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.


