બેંક કર્મચારીની ઓળખ આપી ગઠિયાએ અકોટામાં રહેતા વૃદ્ધાના રૂા. 91.10 લાખ ટ્રાન્સફર કરી લીધા

અકોટામાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Gathia-transferred-Rs-91-10-lakhs-to-an-elderly-man-living-in-Akota-by-posing-as-a-bank-employee

- વૃદ્ધાએ 2024 બેંકમાં 20 લાખની FD કરાવી હતી જે રકમ પાકી ગઇ હોવાથી ઉપાડવાની હતી

- ઠગે બેંક કર્મચારીની ઓળખ આપી રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી આધારકાર્ડ-ડેબિટકાર્ડ માંગ્યા હતા

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધાએ બેંકમાં 20 લાખ રૂપિયાની FD કરાવી હતી. જે રકમ પાકી ગઇ હોવાથી ઉપાડવાની હતી. આ દરમિયાન ઠગે બેંક કર્મચારીની ઓળખ આપીને તેમના રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહીને આધારકાર્ડ અને ડેબિટકાર્ડ માંગ્યા હતા, ત્યારબાદ તેમના 91.10 લાખ રૂપિયા અન્ય બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી, જેથી વૃદ્ધાએ આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં 87 વર્ષના વૃદ્ધા રહે છે, તેમના પતિનું વર્ષ 2014માં નિધન થયું હતું. તેઓ લંડનમાં સરકારી ડોક્ટર હતા. તેમણે વર્ષ 2024માં રૂપિયા 20 લાખની FD કરાવી હતી. 11 ઓક્ટોબરના રોજ તેમની FDના 20.10 લાખ રૂપિયા બેંક ખાતામાં જમા થયા હતાં. આ નાણા અન્ય બેંક એકાઉન્ટ નંબરમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવાના હતા. જેથી વૃદ્ધાએ 20 ઓક્ટોબરના રોજ ઓનલાઇન ગૂગલ પર બેંકનો કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો અને તે નંબર પરથી ફોન કર્યો હતો.

સામેથી વ્યક્તિએ પોતાનું નામ અભિષેક જણાવ્યું હતું અને તે બેંકના કસ્ટમર સર્વિસમાંથી વાત કરે છે તેમ જણાવ્યું હતું, જેથી વૃદ્ધાએ કહ્યું હતું કે, તેમના બેંકમા રહેલા નાણા અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા છે, ત્યારબાદ વૃદ્ધાનો ફોન કોલ ફોરવર્ડ કરી આપ્યો હતો. ત્યારબાદ વૃદ્ધાના દરેક ફોન ફોરવર્ડ થવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે વૃદ્ધાનું આધારકાર્ડ માગ્યું હતું. જેથી આધારકાર્ડ અને ડેબીટ કાર્ડ ઓનલાઈન મોકલી આપ્યા હતા.

ત્યારબાદ ભેજાબાજોએ મોબાઇલ હેક કરીને તેમના બંને બેંકના ખાતામાંથી ગત ઓક્ટોબર મહિના દરમિયાન 91.10 લાખ રૂપિયા બારોબાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને વૃદ્ધા સાથે છેતરપીંડી કરી છે. જેથી વૃદ્ધાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments