- પોલીસે આરોપી પાસેથી કુલ 37,363 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા SOGની ટીમે ઇન્ડેન ગેસની બોટલોમાં રિફિલિંગ કરી ગેસની ચોરી કરતા અલ્લારખા ઉર્ફે રેહાન ગુલામ મોહંમદ સિન્ધીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 37,363 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા SOG ટીમે ચોક્કસ બાતમીના આધારે અલ્લારખા ઉર્ફે રેહાન સિન્ધી પોતાના રહેણાંક મકાનમાં ઇન્ડેન ગેસની ભરેલી બોટલોના સીલ ખોલીને ધાતુની પાઇપ વડે ખાલી બોટલોમાં ગેસ રિફિલ કર્યા બાદ રીપેકિંગ કરીને છૂટકમાં ગ્રાહકોને વેચાણ કરતો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની હકીકતના આધારે એસ.ઓ.જી. ટીમે રેડ કરી હતી, જેમાં આરોપી રંગે હાથે ઝડપાઈ ગયો હતો. આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આગ લાગવાનાં જોખમ સાથે બેદરકારીભર્યું વર્તન કરી રહ્યો હતો. તેણે ગેસની ચોરી કરીને ઓછા ગેસવાળા બોટલો ગ્રાહકોને વેચીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.

આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 287, 303(2), 316(2) તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની તપાસ માટે કેસ પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ઇન્ડેન ગેસની ભરેલી બોટલો 17 નંગ, કિંમત રૂ. 14,603, ઇન્ડેન ગેસની ખાલી બોટલો 8 નંગ, કિંમત રૂ. 13,600, દિલ્હી મેડ ગેસની બોટલો 5 નંગ, કિંમત રૂ. 1,800, રિફિલિંગના સાધનો કિંમત રૂ. 160, વજનકાંટા 2 નંગ, કિંમત રૂ. 200, ઇલેક્ટ્રિક નાની મોટર (નોઝલ અને વાયર સાથે) કિંમત રૂ. 2,000, મોબાઇલ ફોન 1 નંગ, કિંમત રૂ. 5,000 મળી કુલ કુલ મુદ્દામાલની કિંમત રૂ. 37,363 સાથે આરોપી અલ્લારખા ઉર્ફે રેહાન ગુલામમોહંમદ સિન્ધી (રહે. કુંભારવાડા, આલાહઝરત મદ્રેસા પાસે, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા શહેર)ની ધરપકડ કરી હતી.


