- રોમિયોગિરી કરતા તત્વો પર નજર રાખવા માટે મહિલા પોલીસ ઉપરાંત પોલીસ જવાનોની ટીમો તેમજ ઘોડેસવાર પોલીસ દ્વારા પણ સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાશે
- નોરતાના પહેલા જ દિવસે અટલાદરા વિસ્તારમાં ચક્કાજામ, એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ
વડોદરામાં નવરાત્રી ઉત્સવના શાનદાર પ્રારંભની સાથે સાથે સુરક્ષા રાખવા માટે તેમજ ટ્રાફિકના મુદ્દે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
શહેરમાં 700 સ્થળે ગરબાનું આયોજન કરાયું છે, જેમાંથી 26 સ્થળે મોટા ગરબા યોજાઈ રહ્યા છે. જોકે ગરબામાં જતી મહિલાઓની સુરક્ષા માટે પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા આજે શી ટીમ અને મહિલા પોલીસને જુદા-જુદા ગરબા ગ્રાઉન્ડો પર ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેવા અને ગરબા ઘૂમવા કહેવાયું છે. રોમિયોગિરી કરતા તત્વો પર નજર રાખવા માટે મહિલા પોલીસ ઉપરાંત પોલીસ જવાનોની ટીમો તેમજ ઘોડેસવાર પોલીસ દ્વારા પણ સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા પણ રોજેરોજ ગરબા ગ્રાઉન્ડો પર ચેકિંગ કરવામાં આવનાર છે. પોલીસ દ્વારા ગરબા ગ્રાઉન્ડો પર પણ આયોજકોને સુરક્ષા વ્યવસ્થા સંભાળવા તાકિદ કરવામાં આવી છે.

એડિશનલ કમિશનર ઓફ પોલીસ ડો.લીના પાટીલે કહ્યું હતું કે, જેટલા મોટા ગરબા યોજાય છે ત્યાં શી ટીમ ગરબાની અંદર-બહાર અસામાજિકો પર નજર રાખશે. ઉપરાંત ગરબાના સ્થળ પાસે કે તે સ્થળ સુધી પહોંચવાના રસ્તા પર મહિલાઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ કરશે. સોમવારે સાંજે પોલીસ અધિકારીઓએ શી ટીમ સાથે બેઠક કરી સમજ આપી હતી. પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખશે. વિવાદિત પોસ્ટ હોય તો ઉચ્ચ અધિકારીને જાણ કરી કાયદેસરના પગલાં ભરાશે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રી દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની પુરેપુરી શક્યતા હતી. જેથી પોલીસ કમિશનરે પોલીસની સાથે સાથે ગરબાના આયોજકોને પણ પાર્કિંગ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે મદદરૂપ થવા કહ્યું હતું. શહેરમાં તમામ ગરબા ગ્રાઉન્ડોની આસપાસ તેમજ તેના રૂટ પર પોલીસ ગોઠવાઇ હોવા છતાં અનેક સ્થળે પહેલા જ નોરતાએ ટ્રાફિક જામના દ્શ્યો સર્જાયા હતા. અટલાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક રાબેતા મુજબનો કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી.
આ ઉપરાંત એઆઈ બેઝ્ડ વીડિયોને કારણે વ્યાપેલી તંગદિલી બાદ શહેર પોલીસ સચેત થઈ ગઈ છે. આ ઘટના બાદ શહેર પોલીસ દ્વારા રાત્રી દરમિયાન પણ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચાર દરવાજા વિસ્તાર તેમજ 26 મોટા ગરબા આયોજન પાસે પણ પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.


