જાંબુવા ચોકડી પાસે ભાડાની જમીનમાંથી ગેરેજનો 3.70 કરોડનો સામાન ગુમ, વેપારીની પિતા-પુત્ર સામે ફરિયાદ

વ્યવસાય ન ફાવતા જમીન ખાલી કરવાની વાતે જમીનમાલિક તેના પુત્ર સાથે વિવાદ થયો હતો

MailVadodara.com - Garage-equipment-worth-3-70-crore-goes-missing-from-rented-land-near-Jambuva-Crossroads-businessman-files-complaint-against-father-son-duo

- આશરે 2000 ચોરસ ફૂટનો શેડ, પતરાના રૂમ માટેના લોખંડના પાઇપ, પતરાં, કોમ્પ્રેસરની મોટર, કેબિનના 10 દરવાજા, કટર મશીન, વેલ્ડિંગ મશીન, 6 જેક અને અન્ય ઓજારો ગાયબ મળ્યાં

- 7 જુલાઈએ જમીન માલિક મનોજ શર્માના ઘરે બોલાવી ગાળાગાળી કરી હતી, વેપારીનો કોલર પકડી ધક્કો મારી હાઇવે પર ટ્રકથી અકસ્માત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

વડોદરામાં જાંબુવા ચોકડી પાસે નેશનલ હાઇવે-48 પર ગેરેજ માટે ભાડે રાખેલી જમીનમાંથી રૂ. 3.70 કરોડનો સામાન સગેવગે કરી દેવામાં આવ્યો છે. ગેરેજનો વ્યવસાય અનુકૂળ ન આવતાં જમીન ખાલી કરવાની વાત કર્યા બાદ વેપારીનો જમીનમાલિક અને તેના પુત્ર સાથે વિવાદ થયો. ત્યારબાદ ગેરેજનો સામાન ગાયબ જણાતાં વેપારીએ બંને સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં ગેરેજના વ્યવસાય માટે ભાડે લીધેલી જમીનમાંથી કરોડો રૂપિયાની કિંમતનો સામાન ગાયબ થઈ ગયો છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં રહેતા અને અભિ ઓટો ગેરેજના નામે આઇસરની બોડી બનાવવાનું કામ કરતા રાહુલભાઈ બારોટે મનોજભાઈ શર્મા અને તેમના પુત્ર અમન શર્મા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બંનેએ આશરે રૂ. 3.70 કરોડનો સામાન પોતાની જાણ અને સંમતિ વિના સગેવગે કરી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.

ગેરેજ માટે ભાડેથી જગ્યા જોઈતી હોવાથી રાહુલભાઈએ તેમના મિત્ર રવિભાઈ રાજપૂતનો સંપર્ક કર્યો હતો. મિત્ર મારફતે મનોજભાઈ શર્મા અને તેમના પુત્ર અમનનો સંપર્ક થયો હતો. બંનેએ જાંબુવા ચોકડી પાસે રાજસ્થાન દરબાર હોટલની બાજુમાં નેશનલ હાઇવે-48 પર આવેલી જમીન બતાવી હતી. આ જગ્યા પસંદ આવતાં દર મહિને 1.15 લાખ રૂપિયા ભાડું નક્કી થયું હતું. જમીનમાલિકે ડિપોઝિટ લેવાની નહીં અને ભાડા કરારનું લખાણ વકીલ મારફતે તૈયાર કરાવવાની વાત કરી હતી.

ત્યારબાદ 22 જૂન, 2026ના રોજ રાહુલભાઈએ ગેરેજનો સામાન ભાડાની જમીન પર ખસેડ્યો હતો. તેમાં આશરે 2000 ચોરસ ફૂટનો શેડ, પતરાના રૂમ માટેના લોખંડના પાઇપ, 73 જેટલાં પતરાં, કોમ્પ્રેસરની મોટર, કેબિનના 10 દરવાજા, વાહનોની વાયરિંગ, કટર મશીન, વેલ્ડિંગ મશીન, વાહનોના કામ માટેના 6 જેક અને અન્ય ઓજારોનો સમાવેશ થતો હતો. જોકે, થોડા દિવસ બાદ ગેરેજનો વ્યવસાય અનુકૂળ ન આવતાં રાહુલભાઈએ જમીન ખાલી કરવાની વાત કરી હતી. આ મુદ્દે 7 જુલાઈએ મનોજભાઈના ઘરે બોલાવી તેમની સાથે ગાળાગાળી કરી ધમકી આપી હતી. 15 જુલાઈએ રાહુલભાઈ ગેરેજ પર પહોંચ્યા ત્યારે ત્યાં મૂકેલો સામાન ગાયબ જણાયો હતો અને આરોપી મનોજભાઈએ વેપારીનો કોલર પકડી ધક્કો મારી હાઇવે પર ટ્રકથી અકસ્માત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંનેએ મળીને આશરે 3.70 કરોડ રૂપિયાનો સામાન સગેવગે કર્યો છે. આ મામલે કપુરાઇ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments