- આરોપીઓ રાજ્યના વિવિધ જિલ્લામાં હાઇ-વે પર કોઇ ખામીના કારણે બંધ થયેલ વાહન હોય કે પાર્ક કરી આરામ કરતાં ડ્રાઇવરોની ઊંઘનો લાભ લઇ વાહનોમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા
- પકડાયેલા 4 પૈકી બે અગાઉ રાજ્યમાં અલગ-અલગ સ્થળે ડીઝલ ચોરીમાં ઝડપાયા છે
વડોદરા જિલ્લાની કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરોમાંથી ડીઝલ ચોરતી ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગના સભ્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે અને તેમની પાસેથી ડીઝલ ભરેલા કારબા, ખાલી કન્ટેનર, પાઇપ તેમજ ટાંકી તોડવાના સાધનો મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર તા.૨ ના રોજ એક ટેન્કરમાંથી ૭૦ લીટર ડીઝલની ચોરી થતાં આ અંગે રણોલીની એમ.આર. શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું.
સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરના કટ પાસે નંબર પ્લેટ વગરની એક કાર શંકાસ્પદ જણાતા કારની તપાસ કરતા તેમાં ડીઝલના ભરેલા તથા ખાલી કારબા અને પ્લાસ્ટિકની પાઇપો મળી હતી. પોલીસે આ બાબતે કારના ચાલક સહિત ચાર શખ્સોની પૂછપરછ કરતા ડીઝલચોરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે અદેસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી (ઉં. ૨૪, મજૂર) (રહે. અમરાપુરા, ચોરાવાળું ફળિયું, તા. સાવલી, જિ. વડોદરા), શૈલેષભાઈ પ્રભાતભાઈ પરમાર (ઉં. ૩૪, મજૂર) (રહે. રાસાવાડી, કુવાવાળું ફળિયું, તા. સાવલી, જિ. વડોદરા), વિજયભાઈ શનાભાઈ સોલંકી (ઉં. ૨૮, મજૂર) (રહે. કુનપાડ, ભાથીજીવાળું ફળિયું, તા. સાવલી, જિ. વડોદરા) અને કિરણકુમાર ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી (ઉં. 29, નાસ્તાની દુકાન), (રહે. અમરાપુરા, બાર ફળિયું, તા. સાવલી, જિ. વડોદરા)ને ઝડપી પાડયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાઇ-વે પર વાહન કોઇ ખામીના કારણે બંધ થયેલ હોય કે હાઇવે પર પાર્ક કરીને સુઇ ગયેલ હોય તેનો લાભ લઇ તેવા વાહનોમાંથી પેટ્રોલ અથવા ડીઝલની ચોરી કરે છે. ઝડપાયેલો શૈલેષ પરમાર સામે વર્ષ-૨૦૨૩માં તારાપુર પોલીસે ડીઝલ ચોરીમાં પકડયો હતો. જ્યારે કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી વર્ષ-૨૦૨૦ માં વેજલપુર પોલીસ સ્ટેશન, ખાતે ડીઝલ ચોરીમાં, ૨૦૨૨માં વરણામા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીઝલચોરીમાં ઝડપાયો હતો. તેને વર્ષ-૨૦૨૨માં પાસા પણ થઇ હતી.
પોલીસે મારૂતિ સ્વિફ્ટ કાર (નંબર પ્લેટ વગરની), ચાર મોબાઇલ, બે ડીઝલ ભરેલ કારબા, આઠ ડીઝલ ભરવાના ખાલી કારબા તથા ડીઝલ ભરવાની બે પ્લાસ્ટિકની પાઇપો, ડીઝલ ટેંક તોડવા માટે ઉપયોગમાં લેવાતા ડિસમિસ, પકડ, હથોડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


