- ફાયરસ ડ્રીમ રીલીઝર નામના વોટ્સએપ ગ્રુપથી શેર ટ્રેડિંગના લોભામણા મેસેજો કરી બનાવટી પ્રોફિટ અને સર્ટિફિકેટ બતાવી ઠગાઈ કરી, આરોપીને સુરત સાયબર ક્રાઈમ પોલીસને સોંપાયો
સુરત અને રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં શેર ટ્રેડિંગના બહાને ઠગાઈના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપી આશીફ કાલુભાઇ ગરાસીયા (રહે. ભીલાપુર, તા. ડભોઇ, જિ. વડોદરા)ની વડોદરા શહેરના વાડી વિસ્તારમાંથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

સુરત સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગુના પ્રમાણે તારીખ 9/4/2025થી 27/5/2025 દરમિયાન આરોપી આશીફ કાલુભાઇ ગરાસીયાએ ફાયરસ ડ્રીમ રીલીઝર નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર ટ્રેડિંગના નામે લોભામણા મેસેજો મોકલી, ફરિયાદીને HNWACC નામની બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ફરિયાદીએ પોતાની પત્નીના બેંક ખાતામાંથી રૂ. 8,96,028 ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી રૂ. 72,000 પરત આપવામાં આવ્યા હતા, પરંતુ બાકીની રૂ. 8,24,028ની રકમ પરત ન આપીને ઠગાઈ કરી હતી.
રાજકોટ સાયબર ક્રાઇમમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપી આશીફ કાલુભાઇ ગરાસીયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર માર્કેટમાં રોકાણની લાલચ આપતી પોસ્ટ મૂકીને ફરિયાદીને બનાવટી FYERPLUS એપ ડાઉનલોડ કરાવી હતી. અલગ-અલગ બેંક ખાતાઓમાં ફરિયાદી અને તેમની પત્નીના ખાતામાંથી રૂ. 16,67,000 ટ્રાન્સફર કરાવીને બનાવટી પ્રોફિટ અને સર્ટિફિકેટ બતાવી ઠગાઈ કરી હતી.
પકડાયેલ આરોપીની પૂછપરછ માટે સુરત સાયબર ક્રાઇમ પોલીસ વડોદરા આવી હતી. આરોપીને સુરત ગુનાની તપાસ માટે સુરત સાયબર ક્રાઈમ પોલીસને સોંપવામાં આવ્યો છે અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને આરોપી અંગેની જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.


