- સિનિયર સિટીઝનને 1.78 કરોડના રોકાણની સામે 9.33 કરોડનું વળતર બતાવતા હતા
શેરબજારની ખોટી એપ્લિકેશન બનાવીને ઓનલાઇન રોકાણ કરવાના બહાને સાયબર માફિયાઓએ વડોદરા શહેરના સિનિયર સિટીઝન પાસેથી 1.78 કરોડ રૂપિયા પડાવી લીધા છે. સિનિયર સિટીઝનને 1.78 કરોડના રોકાણની સામે 9.33 કરોડ રૂપિયાનું વળતર બતાવતા હતા. જોકે, આ રૂપિયા તેમને મળ્યા નહોતા. જેથી તેઓએ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને શેરબજારની ખોટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમની પાસેથી 1,78,93,200 રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ બ્લિકએક્સ 547 ટ્રેડર્સ હબ નામના ગ્રૂપમાં લોકોને એડ કરીને વોટ્સએપ દ્વારા અલગ-અલગ મોબાઈલ નંબરો પરથી સંપર્ક કર્યો હતો.
આરોપીઓએ એક એપ્લિકેશનની લિંક શેર કરી હતી, જે અંગે ખોટા દસ્તાવેજો બનાવીને તેને સેબીમાં રજિસ્ટર્ડ હોવાનું ખોટું રજૂ કર્યું હતું. આ ખોટી એપ્લિકેશન અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને આરોપીઓએ સિનિયર સિટીઝનને ઓનલાઈન રોકાણ કરવા માટે લલચાવ્યા હતા અને રૂ. 1,78,93,200 અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.
આરોપીઓએ વધુ પૈસા મેળવવા માટે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું પરંતુ, સિનિયર સિટીઝને પૈસા ભર્યા ન હતા. આરોપીઓએ વેબસાઈટ પર રૂ. 9,30,53,111નું વળતર આપવાનું વચન આપીને સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈને તેમના રૂપિયા પરત કર્યા નહોતા. જેથી સિનિયર સિટીઝને આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


