વડોદરામાં આવર નવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં નિવૃત એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે બેંકમાં લાઇફ પોલિસીમાં વધુ બેનિફિટ આપવાની લાલચે રૂપિયા 43 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતા અને જીઇબીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલ અને હાલમાં નિવૃત જીવન જીવતા આધેડ અજમેરસિંહ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓના વોટ્સએપ નંબર પર નકલી બેંક કર્મચારી બની સંપર્ક કરી એચડીએફસી લાઇફ પોલિસીની માહિતી આપી સારો બેનિફિટ આપવાની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ રોકવા માટે ફરિયાદીને લલચાવી રૂપિયા 43 લાખથી વધુનો ચૂનો લગાવતા વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માટે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ છે. આ સાથે એચડીએફસી લાઇફની પોલિસી વર્ષ 2020માં લીધી હતી, ગત 24/5/25ના રોજ બેંકમાંથી બોલું છું અને તમારી પોલિસી રી ઇન્વેસમેન્ટ માટે આવી ગઈ છે અને પોલિસી નંબર અને એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેથી વિશ્વાસમાં આવી પહેલા 10 હજાર આપવા પડશે બાદમાં રી ઇન્વેસમેન્ટ પોલિસી અમલ થશે તેવું કહેતા તેઓએ 10 હજાર આપ્યા હતા. બાદમાં અલગ અલગ સ્કીમ આપી રી ઇન્વેસમેન્ટ માટે વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવ્યા હતા.
બાદમાં પોલિસી રી ઇન્વેસમેન્ટના બહાને અલગ અલગ તારીખે 40 લાખથી વધુ રૂપિયા પડાવી વધુ 80 લાખની માંગણી કરતા શક જતા આખરે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


