ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અને નોકરી અપાવવાના નામે ભરૂચના યુવક પાસેથી ભેજાબાજોએ 21 લાખ પડાવ્યા

ભરૂચના યુવકે મહિલા સહિત 4 ભેજાબાજો સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Fraudsters-extort-Rs-21-lakh-from-a-Bharuch-youth-in-the-name-of-getting-a-New-Zealand-work-visa-and-job

- સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન લેટર ફેક હોવાનું જાણવા મળ્યું

ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અને નોકરી અપાવવાના નામે ભરૂચના યુવક પાસેથી એક મહિલા સહિત 4 ભેજાબાજોએ 21 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ભરૂચના 27 વર્ષીય યુવક હર્ષ પંડ્યાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ દહેજની કંપનીમાં નોકરી કરે છે. તા. 02/01/2024ના રોજ ઇન્સ્ટાગ્રામ પર શિવાની જોશી (રહે. વાઈટ સ્ક્વેર ઇન્ટરનેશનલ, માંજલપુર, વડોદરા) દ્વારા ન્યૂઝીલેન્ડમાં જોબની જાહેરાત જોઈ હતી. તેમણે શિવાની જોશીનો સંપર્ક કર્યો હતો અને પૂછપરછ કરી હતી. શિવાનીએ ડોક્યુમેન્ટ્સ અને બાયોડેટા માંગ્યો જે તા. 03/01/2024ના રોજ મોકલી દીધા હતા.

ત્યારબાદ શિવાની જોશીએ જણાવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડમાં નીખીલ ઠક્કરની બર્ગર શોપમાં કિચન હેન્ડની જોબ માટે જગ્યા છે. જેના માટે 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. હર્ષે સંમતિ આપતા શિવાનીએ નીખીલ ઠક્કર સાથે વાત કરી હતી. તા. 05/01/2024ના રોજ ઝૂમ એપ પર હર્ષનું ઓનલાઇન ઇન્ટરવ્યુ લેવાયું હતું, જેમાં વિનીત શાહ (રહે. જેતલપુર રોડ, વડોદરા) પણ હાજર હતા. નીખીલ ઠક્કરે ઇન્ટરવ્યુ લીધું હતું અને સિલેક્ટ કર્યા હોવાનું જણાવ્યું હતું.

તા. 18/01/2024ના રોજ શિવાનીની ઓફિસમાં 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ત્યારબાદ તા. 07/02/2024ના રોજ 2 લાખ અને તા. 08/02/2024ના રોજ 8 લાખ રૂપિયા અંકિત ગોવિંદભાઇ રબારી (રહે. પ્રતાપનગર, વડોદરા)ને ઓનલાઇન ચૂકવ્યા, જે શિવાની અને વિનીતનો મિત્ર છે. નીખીલ ઠક્કરે બાકીના પૈસા વિનીત શાહને આપવાનું કહ્યું હતું. તા. 08/05/2024ના રોજ કોલ કરીને જણાવ્યું હતું કે, જોબ પાક્કી થઈ ગઈ છે, તમે ટિકિટ લઈ આવો. બાકીના 10 લાખમાંથી તા. 14/05/2024ના રોજ 3 લાખ રોકડ અને 2 લાખ RTGSથી શિવાનીને આપ્યા. આમ કુલ 25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ટિકિટ પોતાના ખર્ચે ખરીદી હતી.

હર્ષ મુંબઈથી ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યા હતા. સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન લેટર ફેક હોવાનું જાણવા મળ્યું હતું. ઓકલેન્ડ એમ્બેસીમાંથી કોલ આવ્યો હતો અને પૂછપરછમાં ખોટા ડોક્યુમેન્ટ્સ છે તેમ કહીને ભારત પરત ફરવાનું કહ્યું હતું. 25 લાખ પૈકી 4 લાખ રૂપિયા હર્ષને પરત કર્યા હતા. જોકે, 21 લાખ રૂપિયા પરત કર્યા નથી. જેથી શિવાની જોશી, વિનીત શાહ, નીખીલ ઠક્કર અને અંકિત રબારી સામે છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Share :

Leave a Comments