- વ્યક્તિ દીઠ 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેમાં 2 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવવાના હતા
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા નિકુલભાઈ પંડ્યા (ઉ.વ. 26) અને તેમના મિત્રો સહિત અનેક લોકોએ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના માલિક ભાવીનભાઈ ચંદુલાલ શાહ પર વિદેશમાં નોકરીના વર્ક પરમિટનું વચન આપી છેતરપિંડી આચરતા આ મામલે કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કપુરાઇ પોલીસ મથકમાં નિકુલભાઈએ નોંધાયેલ ફરિયાદ, એપ્રિલ 2024માં તેઓ અને તેમના મિત્રો સ્નેહ રાય અને પૂર્વેશ ચૌહાણે ન્યૂઝીલેન્ડ અને કેનેડા માટે વર્ક પરમિટ મેળવવા ભાવીનભાઈની ઓફિસનો સંપર્ક કર્યો હતો. ભાવીનભાઈએ દરેક વ્યક્તિ દીઠ 9 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી 2 લાખ રૂપિયા એડવાન્સ તરીકે ચૂકવવાના હતા. બાદમાં ત્રણેય મિત્રોએ 6 લાખ રૂપિયાના ચેક આપ્યા સાથે ડોક્યુમેન્ટ્સ સોંપ્યા હતા પરંતુ, ચાર મહિના પછી પણ વિઝા પ્રોસેસ શરૂ થઈ ન હતી. જ્યારે તેમણે પૈસા પરત માંગ્યા ત્યારે ભાવીનભાઈએ રૂ.1,61,000ના ચેક આપ્યા હતા, જે 'ફંડ ઇન્સફિશિયન્ટ' અને 'પેમેન્ટ સ્ટોપ'ના કારણે પરત આવ્યા હતા.
આ જ પ્રોસેસ માટે અન્ય લોકો જેવા કે નેહલકુમાર ઠક્કર, રૂપી વ્યાસ, માન મહેન્દ્રસિંહ, હર્ષદ વાઘેલા અને નિસર્ગ પાટીલે પણ ભાવીનભાઈ પર 1 લાખથી 5 લાખ રૂપિયા આપ્યા. જે પરત ન કરતા આખરે તમામે કપુરાઇ પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. આ તમામ પાસેથી વિઝા કન્સલ્ટન્ટના નામે વર્ક પરમિટ આપવાના બહાને રૂપિયા 19.20 લાખ પરત ન આપી છેતરપિંડી આચરતા પોલીસે આરોપી ભાવિન શાહને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


