ડિજિટલ કરન્સીમાં 65.43 લાખ રોકાવી બે વર્ષમાં 2 કરોડ આપવાની લાલચે 61.73 લાખની છેતરપિંડી!

ડિજિટલ કરન્સીમાં રોકાણના નામે 65 લાખની લાલચભરી સ્કીમ બતાવી

MailVadodara.com - Fraud-of-61-73-lakh-involving-the-lure-of-turning-an-investment-of-65-43-lakh-in-digital-currency-into-2-crore-within-two-years

- 3.70 લાખ પરત આપી બાકીના 61.73 લાખ ચૂકવવાનો ઇનકાર કરતા બે શખ્સ સામે ફરિયાદ

વડોદરામાં ડિજિટલ કરન્સીમાં નાણાં રોકી મોટો નફો કમાવવાની લાલચ આપી નાગરિક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી દિલીપ ચૌધરી તથા લલીત પ્રજાપતિ નામના બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભોગ બનનાર પાસેથી કુલ રૂ.65.43 લાખ પડાવી લીધા બાદ માત્ર થોડી રકમ પરત આપી બાકીના રૂ. 61.73 લાખ પડાવી ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ ફરિયાદી સાથે ટેલિફોનિક સંપર્ક કરી તેમજ કપુરાઈ ચોકડી ખાતે રૂબરૂ મુલાકાત યોજી હતી. આ દરમિયાન આરોપીઓએ રોકાણ સંબંધી મોટી વાતો કરી ભોગ બનનારને જણાવ્યું હતું કે, પહેલાં સોના-ચાંદીના સિક્કા ચલણ તરીકે વપરાતા હતા, ત્યારબાદ કાગળની કરન્સી આવી અને હવે ડિજિટલ કરન્સીનો યુગ શરૂ થયો છે. કરન્સી ક્યારેય બંધ થતી નથી. અમે ભવિષ્યની આવી કરન્સીમાં રોકાણ કરીએ છીએ, જેમાં દસ ગણું વળતર મળે છે જેમાંથી અમે ત્રણ ગણું વળતર રોકાણકારોને આપીએ છીએ.

આરોપીઓએ ફરિયાદીને પોતાની આકર્ષક સ્કીમની જાળમાં ફસાવતાં જણાવ્યું હતું કે, જો તેઓ મેથી ડિસેમ્બર દરમિયાન રૂ. 65 લાખ રોકવાનો ટાર્ગેટ પૂરો કરશે તો બે વર્ષના અંતે રૂ.2 કરોડ મળશે. ફરિયાદી આવી લોભામણી લાલચમાં આવી જઈ આરોપીઓના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂપિયા 65.43 લાખ જમા કરાવ્યા હતા.

જોકે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ્યારે ફરિયાદીએ પોતાના મૂળ નાણાં તથા વળતરની માંગણી કરી ત્યારે આરોપીઓએ ગોળ-ગોળ વાતો કરી વધુ 10 ટકા રકમની માગણી શરૂ કરી હતી. અંતે ભોગ બનનારે તેમના વિરુદ્ધ અરજી આપતાં આરોપીઓએ માત્ર રૂ. 3.70 લાખ પરત કર્યા હતા. જ્યારે બાકી રહેલી રૂ. 61.73 લાખ પરત આપવાને બદલે જે થાય તે કરી લો કહી હાથ ઊંચા કરી દીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનારે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments