રાજકોટના ફર્નિચર વેપારી સાથે વડોદરાની યુવતીના લગ્ન કરાવી ઠગ ટોળકી દ્વારા રૂપિયા 3.30 લાખની છેતરપિંડી

યુવતીના ફોટા બતાવી ટોળકીએ લગ્ન માટે રાજકોટના યુવકને વડોદરા બોલાવ્યો હતો

MailVadodara.com - Fraud-gang-swindles-a-Rajkot-furniture-merchant-out-of-3-30-lakh-by-arranging-his-marriage-to-a-young-woman-from-Vadodara

- ઉમા ચાર રસ્તા પાસે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું બનાવાયું હતું, લગ્ન બાદ પરિવારમાં મૃત્યુ થયાનું બહાનું કાઢી યુવતી વડોદરા આવી હતી, ફોન સ્વિચ ઓફ આવતા તપાસ કરતાં ઠગાઇની જાણ થઇ

- ટોળકીએ સોસાયટીમાં રહેતા અન્ય એક યુવક સાથે પણ આજ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું

રાજકોટમાં રહેતા એક યુવક સાથે લગ્ન કરાવવાના બહાને ઠગ ટોળકી દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીઓએ વડોદરાની યુવતી સાથે બોગસ દસ્તાવેજો અને સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાવી બે યુવકો પાસેથી 6.50 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કર્યાનો પર્દાફાશ થયો છે. આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
રાજકોટના જામનગર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનો વેપાર કરતો યુવાન લગ્ન માટે યુવતીની શોધમાં હતો. આ દરમિયાન તેમના પરિચિતોએ તેમનો સંપર્ક કરી વડોદરાની મેઘનાબેન પ્રજાપતિ નામની યુવતીના ફોટા મોબાઈલમાં બતાવ્યા હતા. યુવતી પસંદ પડતાં આરોપીઓએ તેમને વડોદરા બોલાવ્યા હતા અને યુવતી તથા તેના સગા હોવાનો દાવો કરનાર ઈસમો સાથે મુલાકાત કરાવી હતી.
આરોપીઓ દ્વારા વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં વકીલ અને નોટરીની ઓફિસે લઈ જઈને 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બોગસ લગ્નનું સોગંદનામું તૈયાર કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ લગ્ન તથા અન્ય બહાના હેઠળ ફરિયાદી પાસેથી રૂ.3,30,000 રોકડા પડાવી લીધા હતા અને ત્યારબાદ યુવક યુવતીને લઈને રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો.
થોડા દિવસો બાદ યુવતીના પરિવારમાં મૃત્યુ થયાનું બહાનું કાઢીને તે વડોદરા પરત ગઈ હતી અને ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. તપાસ કરતાં ખબર પડી કે આખી ટોળકીએ ભેગા મળીને છેતરપિંડી આચરી છે. એટલું જ નહીં, આ જ ટોળકીએ સોસાયટીમાં રહેતા અન્ય એક યુવક સાથે પણ આજ પ્રકારે અન્ય યુવતી સાથે ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર કૌભાંડમાં આરોપીઓએ બોગસ ઓળખ અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી અનેક યુવકોને નિશાન બનાવ્યા હોવાનું જણાઈ આવ્યું છે. ભોગ બનનાર યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ ઠગ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments