- સયાજીગંજ પોલીસે બાતમી આધારે ગાર્ડન હોટલ નીચે મોબાઇલ ફોન વેચવા ઊભેલા વિશાલ રાઠોડને ઝડપી પાડ્યો, પૂછપરછ દરમિયાન બે મોબાઇલ મળતાં ચોરીના હોવાની કબૂલાત
વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભારે ભીડનો લાભ ઉઠાવી મોબાઇલ ચોરતી ટોળકીઓ સક્રિય બની હતી. પ્રસાદ લેવા તેમજ સેવાકાર્યમાં વ્યસ્ત રહેલા ૩ લોકોના લાખો રૂપિયાના મોબાઇલ ફોન ચોરાઈ જતા રાવપુરા, સયાજીગંજ અને કારેલીબાગ પોલીસ મથકોમાં અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. બીજી તરફ સયાજીગંજ પોલીસે ચોરીના મોબાઇલ ફોન વેચવા ફરતા એક શખ્સને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતા અને શ્રીજીની પ્રતિમાઓ બનાવવાનું કામ કરતા અતુલભાઈ જાધવ 16 જુલાઈના રોજ બપોરે સયાજી હોસ્પિટલ ગેટ નંબર-2 પાસે પસાર થઈ રહેલી રથયાત્રા દરમિયાન પ્રસાદ લેવા ગયા હતા. આ દરમિયાન તેમના રૂ.8 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હતો. બનાવ અંગે તેમણે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મુજમહુડા વિસ્તારમાં રહેતા અને ઓફિસ બોય તરીકે કામ કરતા દિલીપ સેગર રથયાત્રા દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી પાસે પ્રસાદ લેવા ગયા હતા. ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેમનો રૂ.20 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. આ અંગે સયાજીગંજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
તરસાલી વિસ્તારમાં રહેતા સૂર્યપ્રકાશ ઉપાધ્યાય રાવપુરા રોડ પર સંતરામ મંદિર પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના પાણી વિતરણ સ્ટોલ પર સેવાકાર્ય કરી રહ્યા હતા. તે દરમિયાન નજર ચૂકવી કોઈ અજાણ્યા ગઠિયાએ તેમનો રૂ.8 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. આ અંગે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત અલકાપુરી વિસ્તારમાં રહેતા અને વીજ કંપનીમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિરેશ પરમાર 2 જુલાઈના રોજ સયાજી હોસ્પિટલ સામે આવેલી મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના શર્ટના ખિસ્સામાં રહેલો અંદાજે રૂ.98 હજારની કિંમતનો મોબાઇલ ફોન ગાયબ હોવાનું જણાયું હતું. આ મામલે પણ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રથયાત્રા દરમિયાન થયેલી મોબાઇલ ચોરીના બનાવોની તપાસ વચ્ચે સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, ગાર્ડન હોટલ નીચે એક વ્યક્તિ મોબાઇલ ફોન વેચવા માટે ઊભો છે. પોલીસે વોચ ગોઠવી વિશાલ રસિકભાઈ રાઠોડ (રહે.જેતલપુર ગરનાળા, સયાજીગંજ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને મોબાઇલ ચોરીના હોવાનું તેણે કબૂલ્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


