- અકોટા પોલીસે પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ બદલ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના જૂના પાદરા રોડ વિસ્તારમાં ગત મોડી રાત્રે `ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ઘટના સામે આવી હતી. અકોટા વિસ્તારમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ જોસેફ માર્ટિને દારૂના નશામાં લક્ઝરી કાર બેફામ ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં તેણે પાર્કિંગમાં ઊભેલી ત્રણ કારને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું. અકોટા પોલીસે આ મામલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે અલગ-અલગ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના જૂના પાદરા રોડ પર મલ્હાર પોઈન્ટ નજીક આવેલી પુનિત નગર સોસાયટી પાસે ગતમોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કારે સોસાયટી પાસે પાર્ક કરેલી અન્ય ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે આસપાસના રહીશો તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા.

આ બનાવની જાણ થતા જ અકોટા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર વ્યક્તિ ભારતીય ટીમના પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર જેકોબ જોશેફ માર્ટિન છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જેકોબ માર્ટિન દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ બદલ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ગોત્રી મધર્સ સ્કૂલ પાસેના શાલીન ફ્લેટના ધાબા પર દારૂની મહેફિલ માણતા ક્રિકેટર જેકોબ માર્ટિન સહિત 6 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં જેકોબ માર્ટિને પુત્રીનો જન્મદિવસ હોવાથી મિત્રોની પાર્ટી રાખી હોવાની કેફિયત કરી હતી.


