વોશિંગ મશીન અને ચીમનીના બોક્સની આડમાં છુપાવેલો રૂા.41.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્ય LCBએ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

MailVadodara.com - Foreign-liquor-worth-Rs-41-73-lakhs-hidden-in-washing-machine-and-chimney-box-seized

- કન્ટેનરમાં વોશિંગ મશીનના 96 બોક્સ અને ચીમનીના 5 બોક્સ, 41.73 લાખની કિંમતની વિદેશી દારૂની 260 પેટીઓ મળી કુલ 64.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 2ની ધરપકડ કરી

વડોદરા ગ્રામ્યની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક્સપ્રેસ હાઈવે પરથી વોશિંગ મશીન અને ચીમનીના બોક્સની આડમાં છુપાવેલો 41.73 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી છે અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


LCBના પીઆઈ કે. આર. સિસોદિયા તથા તેમની ટીમને વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત વોચ રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે રાત્રીના સમયે PSI પી. કે. ભુતની ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ટાટા કંપનીના કંટેનરમાં વોશિંગ મશીન અને ચીમનીના બોક્સ ભરેલા છે, પરંતુ તેની આડમાં વગર પરમિટનો વિદેશી દારૂ ભરેલો છે.

આ કંટેનર દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે LCB ટીમે આજોડ ગામ પાસેના એક્સપ્રેસવે ટોલનાકા નજીક વોચ રાખી હતી. કંટેનર આવતાં જ પોલીસે તેને ઘેરી લીધું હતું અને પોલીસ તપાસમાં ડ્રાઈવર જુનેદખાન મુબીનખાન ખાન (રહે. કંસાલી, નગીના, જિ. નુહ, મેવાત, હરિયાણા) અને અન્ય વ્યક્તિ રોબિનખાન શાહબુદ્દીન ખાન (રહે. આમકા, ફરીઝપુર જિરકા, જિ. નુહ, મેવાત, હરિયાણા) મળી આવ્યા હતા.

કંટેનરની તપાસમાં વોશિંગ મશીનના 96 બોક્સ અને ચીમનીના 5 બોક્સ અંદર છુપાવેલા હતા અને તેમાંથી 41.73 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 260 પેટીઓ મળી આવી હતી. કુલ 64.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે દારૂ અમજદખાન (રહે. ભાદરા, નગીના, જિ. નુહ, હરિયાણા) અને અમરમાન ખાન (રહે. નુહ, તાવડુ રોડ, હરિયાણા) દ્વારા ભરાવવામાં આવ્યો હતો. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments