વડોદરા રેલવેના સ્ટોર રૂમમાંથી 38.09 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે શખ્સ ફરાર

LCB પશ્ચિમ રેલવેએ બાતમી આધારે વડોદરા રેલ્વે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાં દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Foreign-liquor-worth-Rs-38-09-lakh-seized-from-Vadodara-Railway-store-room-two-persons-absconding

- સ્ટોર રૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 241 પેટીઓમાંથી 9143 બોટલ જપ્ત કરાઇ

- એક રેલવે કર્મચારી તથા આરપીએફ કોન્સ્ટેબલનો પુત્ર ફરાર

વડોદરા રેલવે મેમુ કાર શેડ ખાતેના સ્ટોર રૂમમાંથી LCB પશ્ચિમ રેલવેએ 38.09 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ફરાર જાહેર કર્યાં છે. જેમાં એક આરોપી રૂબિન યુસુફમિયા શેખ રેલવેમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવે છે, જ્યારે બીજો આરોપી કપીલ સિંગ RPF કોન્સ્ટેબલનો પુત્ર છે.

LCB પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જેથી LCB પશ્ચિમ રેલવે, વડોદરાના પીઆઇ ટી. વી. પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વડોદરા રેલ્વે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાં રેડની કાર્યવાહી હાથ ધરી હતી અને વડોદરા રેલ્વે મેમુ કાર શેડના સ્ટોર રૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 9143 બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં રૂબીન શેખ ઉર્ફે કટ્ટે અને કપીલસિંગ (રહે. વડોદરા) વોન્ટેડ જાહેર કરાયા છે. રૂબીન શેખનો ગુનાહિત ઈતિહાસ છે, જેમાં 2018માં વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો તેમજ વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને પોલીસ પર હુમલો જેવા ગુનાઓ નોંધાયેલા છે.


પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો રોડ માર્ગે મેમુ શેડના સ્ટોર રૂમમાં લાવવામાં આવ્યો હતો. આ સ્ટોર રૂમ રેલવે કોન્ટ્રાક્ટરને માલસામાન સંગ્રહ માટે ફાળવવામાં આવેલું હતું, જે રેલવેની અલગ-અલગ ઓફિસો વચ્ચે આવેલું છે.

રેલવે SP અભય સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી 'મિશન ક્લીન સ્ટેશન' નામની ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે. આ ડ્રાઇવ હેઠળ અમે રાત્રિના સમયે વિવિધ રેલવે સ્ટેશનો પર અસામાજિક તત્વોની હાજરી પર નજર રાખીએ છીએ. યાત્રીઓ અને રેલવે સ્ટાફ સિવાયના કોઈ પણ લુખ્ખા તત્વોને અટકાવીએ છીએ અને તેમના પર વોચ રાખીએ છીએ.

આ ડ્રાઇવ દરમિયાન અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં. ત્યારે તેમને માહિતી મળી કે, રેલવેના મેમુ કાર શેડ વિસ્તારમાં એક જૂનું સ્ટોરરૂમ છે, જે રેલવે સ્ટેશનથી આશરે 3.5 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે. તેથી અમારી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે ત્યાં રેડ કરી, જેમાં 241(9143 બોટલ) પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 38 લાખ રૂપિયાના મુદ્દામાલને ત્યાંથી રિકવર કરવામાં આવ્યો છે.

વધુ તપાસમાં આરોપી તરીકે રૂબિન યુસુફમિયા શેખ અને કપીલ સિંગના નામ જાણવા મળ્યા છે. બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ તેમને શોધવા માટે સતત કાર્યરત છે. રૂબિન શેખ રેલવેમાં એપોઇન્ટમેન્ટ તરીકે કામ કરે છે. તેનો જૂનો ઇતિહાસ છે તે 2018માં મર્ડરનો આરોપી છે. વડોદરા શહેરમાં તેની વિરુદ્ધ વિવિધ પ્રોહિબિશન (દારૂબંધી) અને એસોલ્ટ (હુમલા)ના ગુનાઓ નોંધાયેલા છે. તે નવા યાર્ડ વિસ્તારની રેલવે કોલોનીમાં રહે છે

આ કેસમાં આરોપીના CDR (કોલ ડિટેલ્સ રેકોર્ડ) વગેરેનું વિગતવાર વિશ્લેષણ ચાલુ છે. તેમજ, દારૂ ક્યારે અને ક્યાંથી આવ્યો, કઈ રસ્તે તેને લાવવામાં આવ્યો તે તમામ વિગતોની તપાસ અત્યારે ચાલી રહી છે. અમારી ટીમ આને લઈને સંપૂર્ણ તપાસ કરી રહી છે.

Share :

Leave a Comments