- મોકડ્રિલમાં SEOC, GSDMA, આર્મી, એરફોર્સ, પોલીસ, ફાયર, NDRF અને જિલ્લા તંત્ર સહિત અંદાજે 250 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા
- આગ, ગેસ લીકેજ, ક્રૂડ ઓઇલ પાઇપલાઇન તૂટવી, ટેન્ક ફાટવી જેવી ઇમર્જન્સી પરિસ્થિતિઓ માટે મોકડ્રિલ કરાઇ, હવે દર બે વર્ષે આ પ્રકારની રાજ્ય સ્તરની મોકડ્રિલ કરાશે
ગુજરાતમાં આજે પહેલીવાર ઓઇલ અને કેમિકલ ઇમર્જન્સી મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે મોટી મોકડ્રિલ યોજાઈ છે. આ મોકડ્રિલ એકસાથે રાજ્યના પાંચ જિલ્લામાં કુલ 12 સ્થળોએ યોજાઈ હતી જેમાં રિફાઇનરી, કેમિકલ ટેન્ક ફાર્મ, ગેસ પાઇપલાઇન જેવી સંવેદનશીલ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભરૂચના દહેજ ખાતે LNG પેટ્રોનેટ અને ONGC પેટ્રોકેમ, સુરતના અડાજણ ખાતે IOCL, દેવભૂમિ દ્વારકાના વાડીનાર ખાતે નાયરા રિફાઇનરી અને IOCL ટેન્ક ફાર્મ, જામનગરના મોટીખાવડી ખાતે રિલાયન્સ રિફાઇનરી તેમજ કચ્છ જિલ્લાના કંડલા, ગાંધીધામ અને મુન્દ્રા સ્થિત BPCL તેમજ અન્ય કેમિકલ ટેન્ક ફાર્મોમાં આ મોકડ્રિલ હાથ ધરાઈ હતી.
મોકડ્રિલ દરમિયાન આગ, ગેસ લીકેજ, ક્રૂડ ઓઇલ પાઇપલાઇન તૂટવી, ટેન્ક ફાટવી જેવી ઇમર્જન્સી પરિસ્થિતિઓ માટે કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું મોનીટરીંગ ગાંધીનગર સ્થિત SEOC દ્વારા જીવંત કરવામાં આવ્યું. આ મોકડ્રિલમાં SEOC, GSDMA, આર્મી, એરફોર્સ, પોલીસ, ફાયર, NDRF અને જિલ્લા તંત્ર સહિત અંદાજે 250 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

મોકડ્રિલ અંગે અધિક મુખ્ય સચિવ (મહેસુલ) જયંતિ રવીએ જણાવ્યું હતું કે, આ મોકડ્રિલ માટે 18મી તારીખે ટેબલ ટોક મીટિંગ યોજાઈ હતી જેમાં તમામ વિભાગો સાથે આયોજન પર ચર્ચા થઈ હતી. તેમણે જણાવ્યું કે આવી ડ્રિલનો હેતુ એ છે કે જો ભવિષ્યમાં આવી ઘટના બને તો સમન્વયપૂર્વક, ગતિશીલ અને અસરકારક રીતે તંત્ર કેવી રીતે કામગીરી કરી શકે તેની તૈયારી અને પરીક્ષણ થાય.
દેશની માર્ગદર્શિકા મુજબ પેટ્રોકેમિકલ હબ ધરાવતા રાજ્યોમાં આવી ડ્રિલ ફરજિયાત છે અને સમગ્ર દેશમાં ગુજરાત પેટ્રોકેમિકલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાતા હોવાથી આ ડ્રિલનું વિશેષ મહત્વ છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોરોના અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે આવી કસરત થઈ શકી નહોતી. પરંતુ હવે દર બે વર્ષે આ પ્રકારની રાજ્ય સ્તરની મોકડ્રિલ કરવામાં આવશે. આ મોકડ્રિલ અંગેની વધુ વિગતો અને રિપોર્ટ દિવસના અંતે જાહેર થશે.


