વાઘોડિયામાં છેલ્લા ઘણા સમયથી ધમધમતી વેજ અને નોનવેજ સહિત ચાઈનીઝ, પંજાબી વગેરે જમવાનુ બનાવતી દુકાનો, લારીઓ વગર પરમિશન અને લાયસન્સ વગર લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા થાય તે પ્રકારે અખાદ્ય ખોરાક વેચતા હોવાની તાલુકામાં ઘણા સમયથી ફરિયાદો ઉઠતા વાઘોડિયા નગર પાલિકા, વાઘોડિયા મામલતદાર વહીવટદાર સહિત વડોદરા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા "સફાઈ અપનાવો, બીમારી ભગાવો" ઝુંબેશ અંતર્ગત 20 ઉપરાંત હોટલે- રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો.
જેમાં વાઘોડિયા ધીરજ ત્રણ રસ્તા પાસે હાજીશેખ કોમ્પલેક્ષ અને ખંઘા રોડ પર આવેલ નઝમા કોમ્પલેક્ષમા આવેલ ખાણીપિણીની હોટલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં સફાઈનો અભાવ, ખુલ્લા હાથે ભોજન બનાવવું કે પીરસવું, ખુલ્લો ખોરાક રાખવો, માખીઓ, માથા પર કેપના પહેરવી વગેરે પ્રકારની બેદરકારી દેખાતા ફૂડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા સાફ-સફાઈ સાથે આરોગ્યપ્રદ ખોરાક રાખવા અંગેની દુકાનદારોને સમજણ અપાઈ હતી, સાથે જ 30 કિલો જેટલો અખાધ્ય ખોરાક નાશ કર્યો હતો.
ચેકિંગ દરમિયાન વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં 80% જેટલી દુકાન વગર પરવાની અને લાયસન્સ વગર ધમધમતી હોવાનું બહાર આવ્યું છે જે અંતર્ગત તમામે દુકાનદારોને નોટિસ આપી જલ્દીથી લાઇસન્સ મેળવી લેવા માટે સમજણ આપવામાં આવી હતી. વાઘોડિયામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધરતા મોટાભાગના દુકાન સંચાલકોએ શટરો પાડી દુકાનો બંધ કરી દીધી હતી.
જ્યારે વાઘોડિયા ખંધા રોડ પર નઝમા કોમ્પલેક્ષમા કેટલીક દુકાનોમા પણ સાફ સફાઈનો અભાવ જોવા મળતા કેટલાક ફુડના નમુના એકત્ર કરી લેબ ટેસ્ટીંગ માટે મોકલવામા આવ્યા હતા. પાલીકા ચિફ ઓફિસર અને મામલતદાર, વહિવટદાર દ્વારા બિન આરોગ્ય પ્રદ વેચાણ સદંતર બંઘ કરવા ચેતવણી આપી જરુર પડ્યે દુકાનો સીલ અને દંડ જેવી કાર્યવાહી કરાશે. બિન આરોગ્ય પ્રદ વાસી અને અખાદ્ય ખોરાક વેચતા લોકોમા આથી ફફડાટ ફેલાયો હતો.


