- વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 8 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 8,720 મળી કુલ કિંમત રૂપિયા 2,28,720નો મુદ્દામાલ જપ્ત કર્યો
હાલમાં વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ રમાઈ રહી છે. ત્યારે લાઈવ ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટો રમતા પાંચ વ્યક્તિઓને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે મોબાઈલ ફોન અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
આ મામલે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર. સિસોદીયા અને ટીમે વુમન્સ પ્રીમિયર લીગની મેચો દરમિયાન ઓનલાઈન સટ્ટા બેટિંગની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. દરમિયાન વડોદરા ગ્રામ્યના કોટંબી સ્થિત BCA સ્ટેડિયમમાં ચાલી રહેલી WPL-2026ની મેચોમાંથી 22 જાન્યુઆરીના રોજ ગુજરાત જાયન્ટ્સ અને યુ.પી. વોરિયર્સ વચ્ચેની મેચ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટેડિયમની અંદરના વિંગમાં બેઠેલા કેટલાક વ્યક્તિઓ તેમના મોબાઈલ ફોનમાં આઈડી દ્વારા લાઈવ મેચ પર ઓનલાઈન સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા.

માહિતીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં અનિલકુમાર ગણેશપ્રસાદ સોની (રહે. ગાંધીચોક, ઇતવારી ટોરી, તા. જિ. સાગર, મધ્યપ્રદેશ), સચિતાનંદકુમાર સુરેન્દ્રસિંગ યાદવ (રહે. 44, ગૌતમબુદ્ધ નગર, ગોના રોડ, તા. આરા, જિ. ભોજપુર, બિહાર), ઈમરાન ઈકબાલ જાતે સૈયદ (રહે. પાંડળકોડા, ઈન્દિરા નગર-6, તા. કેલાપુર, જિ. યવતમાલ, મહારાષ્ટ્ર), નીતેશકુમાર પાલેરામ સુનાર (રહે. બવેલ સૈની મહોલ્લા, તા. જિ. પાનીપત, હરિયાણા), મોહિત ઉર્ફે અનુજ રામવિલાસ ચૌધરી (રહે. પાણીની ટાંકી પાસે, ગામ રૂપનગર થાક નોકી ધાણી, તા. કીસનગઢ, જિ. અજમેર, રાજસ્થાન)ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 8 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 8,720 મળી કુલ કિંમત રૂપિયા 2,28,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ ગુગલ ક્રોમ અને અલગ-અલગ વેબસાઈટ્સ દ્વારા રન ફેર સેશનના સોદા કરીને ઓનલાઈન સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જરોદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલમાં તેમના મોબાઈલમાંથી સટ્ટા આઈડીની વિગતો મેળવી રહી છે અને તપાસ કરી રહી છે કે આ આઈડી ક્યાંથી ખરીદવામાં આવી હતી તથા અન્ય કયા વ્યક્તિઓ આ રેકેટમાં સંડોવાયેલા છે.


