રણોલી જીઆઈડીસીમાં પાર્કિંગમાંથી શરૂ થયેલી આગ વેરહાઉસ સુધી ફેલાતાં લાખો રૂપિયાનું નુકસાન

રણોલી GIDCની બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ, તમામ મટિરિયલ બળીને ખાખ

MailVadodara.com - Fire-that-started-in-parking-lot-at-Ranoli-GIDC-spreads-to-warehouse-causing-loss-of-lakhs-of-rupees

- શોર્ટ સર્કિટની કારણે કોમન પાર્કિંગ એરિયામાં લાગેલી આગ બાજુમાં આવેલી કંપનીમાં પ્રસરી

- વાહનો આગની લપેટમાં આવ્યા, વીજ પુરવઠો બંધ કરી ફાયર ટીમે કામગીરી સરળ બનાવી


વડોદરા શહેર નજીક આવેલા રણોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 219 ખાતે આવેલી બર્કહાર્ડ કમ્પ્રેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (બુરખાટ કોમ્પ્રેસર કંપની)ના વેરહાઉસ તેમજ કોમ્પ્રેસર પાર્ટ્સના સ્ટોર અને સર્વિસ સેન્ટરમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.


પ્રાથમિક માહિતી મુજબ જીઆઈડીસીના કોમન પાર્કિંગ એરિયામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેમાં પાર્ક કરાયેલા વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ આગ ધીમે ધીમે પ્રસરીને પ્લોટ નંબર 219માં આવેલા વેરહાઉસ અને કોમ્પ્રેસર પાર્ટ્સના સ્ટોર સુધી પહોંચી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પરિસ્થિતિ ગંભીર બની હતી.


ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ કરવામાં આવતા ટીપી-13 ફાયર સ્ટેશન સહિત જીઆઈડીસી અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આખરે આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેને નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગ લાગતા વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી વીજ કનેક્શન કાપી ફાયર કામગીરી સરળ બનાવી હતી. બનાવની જાણ થતાં જવાહરનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે રાત્રિનો સમય હોવાથી કંપનીમાં કોઈ હાજર નહોતું. જોકે, કંપનીમાં રાખવામાં આવેલું મોટા પ્રમાણમાં કોમ્પ્રેસર પાર્ટ્સ અને અન્ય મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. 


આ અંગે કંપનીના કર્મચારી નીલ ભટ્ટે જણાવ્યું હતું કે, અમારી મેન કંપની પૂનામાં આવેલી છે, અમારે અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે. અહીંયા રાત્રિનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. હજુ સુધી નુકસાનનો અંદાજ નથી, પરંતુ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

Share :

Leave a Comments