- બોડેલીથી રેતી ભરીને સુરત જતી વખતે માર્ગમાં બની ઘટના
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક નારેશ્વર જતા મુખ્ય માર્ગ પર રેતી ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ચાલકે જીવ બચાવી બહાર નીકળી ગયો હતો. કરજણ ફાયરે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં બોડેલીથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલા ડમ્પરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરીને પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું.
આ ઘટનામાં સદનસીબે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે. આગ લાગવાથી માર્ગ પર અસ્થાયી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


