- આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં, વેરહાઉસમાં ઓફિસ અને સામાન બળીને ખાખ થઈ ગયો
- આગ લાગવાનું કારણ અકબંધ, ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો
વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી વિસ્તારમાં GSFC ગેટની સામેની બાજુએ આવેલા એક જૂના અને બંધ વેરહાઉસમાં આગનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી, જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમોએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
આગની જાણ થતાં જ વડોદરાના ટીપી 13, વડીવાડી અને વાસણા ફાયર સ્ટેશનની ત્રણ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેરહાઉસમાં રહેલું ઓફિસ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે.

ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું, આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં જાણવા મળ્યું છે કે આ વેરહાઉસ બંધ હાલતમાં હતો, અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર નહોતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેથી આગના કોઈ નાના-મોટા ભાગ ફરીથી ભડકે નહીં. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે અને ફાયર વિભાગે લોકોને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. આગના કારણો અને થયેલા નુકસાનની વિગતો જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.


