વાસણા ડી-માર્ટ સામે કોમ્પ્લેક્સના ટેરેસ પર આગ લગતા અફરાતફરી, ફર્નિચરનો સ્ક્રેપ બળીને ખાક

સિદ્ધાર્થ એક્સિલન્સના ટેરેસ પર આગ સાથે ધુમાડાના નીકળતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી

MailVadodara.com - Fire-breaks-out-on-the-terrace-of-the-complex-opposite-Vasana-D-Mart-furniture-scraps-burnt-to-ashes

- ટેરેસ પર ફોમની 30 ખુરશી, ટેબલ, લાકડા, વાયરો હતા

- ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી


વડોદરા શહેરના વાસણા ડી-માર્ટની સામે આવેલા કોમર્શિયલ ઇમારત સિદ્ધાર્થ એક્સલેન્સના ટેરેસ પર ગત રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ લેતા આસપાસના અને ઇમારતના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ આગમાં બિલ્ડીંગની ટેરેસ ઉપર મુકેલો જુના ફર્નિચરનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની વાસણા ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 


વડોદરા શહેરના વાસણા ડી-માર્ટની સામે આવેલી સિદ્ધાર્થ એક્સલેન્સ નામની ઇમારતમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. શુક્રવારે રાત્રે 9 વાગ્યાના સુમારે સિદ્ધાર્થ એક્સિલન્સ બિલ્ડીંગના ટેરેસ પરથી આગ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા જણાતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે પહોંચી ત્યારે બિલ્ડીંગની ફરતે રસ્તો સાંકડો હોવાથી ફાયર ફાઈટર ઝડપથી પાણીની પાઇપો ઝડપથી લઈ જઈ શકે તેમ ન હતા. દરમિયાન ટેરેસની નીચેના ભાગમાં એક જગ્યાએ પાણીના ભરેલા નાના બેરાલો ફાયર ફાઈટરોના નજરે ચડતા તેમને ખભે મૂકીને ટેરેસ પર લઈ જઈ તેનું પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પાણીનો છંટકાવ પાઇપો ચડાવીને કરી 45 મિનિટમાં આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધા હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, મોડી રાત્રે લાગેલી આગને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. આગ લાગવાને પગલે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. જો કે ફાયર બ્રિગેડની સત્વરે કરવામાં આવેલી કામગીરીને પગલે આગ પર કાબૂ મેળવાયો હતો અને આસપાસ રહેતાં લોકોને તથા ઓફિસ ધારકોને હાશકારો અનુભવાયો હતો. ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ અને વીજ કર્મીની મદદથી આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ અંગે વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, સિદ્ધાર્થ એક્સલેન્સ નામનું કોમર્શિયલ કૉમ્પ્લેક્સ હતું. જેના ટેરેસ પર ફર્નિચર સ્ક્રેપ મટીરિયલમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. અમે તાત્કાલિક પહોંચી બિલ્ડિંગમાં ઇવિકવેશન શરૂ કર્યું હતું અને એક ટીમ આગ કંટ્રોલ કરવા લાગી હતી. બિલ્ડીંગના ટેરેસ પર ફોર્મની 30 જેટલી ખુરશીઓ, ટેબલ , લાકડા, બામ્બુ વગેરેનો મોટો જથ્થો હતો. આગ શૉટ સર્કિટને લીધે લાગી કે કોઈકે લગાવી છે તે તપાસમાં ખબર પડશે. કોઈ ઇન્જરી કે કોઈ અન્ય ઘટના બની નથી.

Share :

Leave a Comments