તાંદલજા કિસ્મત ચોકડી નજીક મધ્યરાત્રીએ આગ લાગતા 4થી 5 ઝૂંપડા બળીને ખાખ, લોકોમાં અફરાતફરી સર્જાઇ

મધરાતે અચાનક ફાટી નીકળેલી આગે ક્ષણભરમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

MailVadodara.com - Fire-breaks-out-near-Tandalja-Kismat-Chowkdi-at-midnight-4-to-5-huts-gutted

- આગની જાણ થતાં ફાયર ફાઇટરો તાત્કાલિક દોડી આવ્યા, કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડી નજીક ગત મધ્યરાત્રીએ અચાનક ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. મધ્યરાત્રિના શાંત વાતાવરણમાં અચાનક ફાટી નીકળેલી આ આગે ક્ષણભરમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના ઝૂંપડાઓ આગની ચપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આગ એટલી ઝડપથી પ્રસરી ગઈ હતી કે કેટલાક ગરીબ પરિવારના ઝૂંપડાઓ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા.

અડધી રાત્રે અચાનક આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જ સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો જીવ બચાવવા પરિવારો સાથે સલામત સ્થળે દોડી ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે ભારે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તુરંત જ પોતાની રીતે પાણી છાંટીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગનું રૌદ્ર સ્વરૂપ જોતા સ્થાનિકો દ્વારા બનાવ અંગે ફાયર બ્રિગેડને ત્વરિત જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમો મધ્યરાત્રીએ જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને લાંબા સમયની મહેનત બાદ આગ પર પૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે અને આગ ઓલવે તે પહેલાં જ ગરીબોના આશરાસમા ઝૂંપડાઓ બળીને રાખ થઈ ચૂક્યા હતા, જેના કારણે તેમાં રહેતા પરિવારજનોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાહતની વાત એ છે કે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે શારીરિક ઇજા નોંધાઈ નથી, જેથી તંત્રે અને સ્થાનિકોએ મોટી દુર્ઘટના ટળી હોવાનો શ્વાસ લીધો છે.

Share :

Leave a Comments