- ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો સતત મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો, સામાનના કારણે આગ વધુ વિકરાળ બની હતી
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સદર બજારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પાણીનો સતત મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. આ આગમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા ધવલ દલાલ વિવિધ પ્રકારના પતરાળાંની ડીશનો ધંધો કરે છે. તેમણે સદર બજારમાં આવેલા એક મકાનને સામાન રાખવા માટેનું ગોડાઉન બનાવ્યું છે. આ ગોડાઉનમાં ખીચોખીચ રીતે પ્લાસ્ટિકની વિવિધ ડીશો સહિતનો સામાન મૂકવામાં આવ્યો હતો.
આજે અચાનક શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. સામાનના કારણે આગ વધુ વિકરાળ બની હતી. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાઈ હતી. બદામડી બાગના ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ફતેગંજ સદર બહાર ખાતે પહોંચી ગયો હતો અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા સાપડી હતી. જોકે આગના કારણે કોઈ દાઝ્યું કે પછી કોઈ જાનહાનિ થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. પરંતુ આગથી સામાન બળી જતા વેપારીને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.


