- 5 ફાયરની ગાડીએ ભારે જહેમત બાદ કાબૂમાં લીધી, આગ લાગવા પાછળનું કારણ અકબંધ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી રોડ પર આવેલ જોસેફ મોટર ગેરેજમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેરેજમાં રાખેલા વાહનોને ભારે નુકસાન થયું છે. આ અંગે ફાયર વિભાગની પાંચ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મળેવવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ આપવામાં આવ્યો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દાંડિયાબજાર ફાયર સ્ટેશનની પાંચ ફાયર ગાડીઓ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આ આગમાં ગેરેજમાં રહેલ ચાર ફોર-વ્હીલર અને બે બાઇક સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયા છે. ગેરેજ માલિક જોસેફભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારે અચાનક આગ લાગી હતી અને તે કયા કારણોસર લાગી તે સમજાયું નથી. આ ઘટનાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની એક ગાડી તાત્કાલિક આવી હોવા છતાં બાકીની ગાડીઓને આવવામાં વિલંબ થતાં વધુ નુકસાન થયું હોવાના આક્ષેપો પણ કર્યા છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગ દ્વારા આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્યારબાદ જ સ્પષ્ટ માહિતી મળી શકે છે.


