- ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવ્યો
- પ્રાથમિક તપાસમાં આગનું કારણ મકાનમાં લગાવેલા ગીઝરમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન, પરિવાર ઘરમાં હાજર નહોંતો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વહેલી સવારે બંધ મકાનમાં આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને મળતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવીને બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ આગ ગીઝરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સૂર્યોદય પાર્ક સોસાયટીમાં વહેલી સવારે અચાનક આગ લાગી જતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ મકાનમાં લગાવેલા ગીઝરમાં શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સદનસીબે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંધ મકાનમાં ગીઝરમાં આગ કઈ રીતે લાગી તે પણ એક સવાલ છે. આ મામલે ફાયર વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

આ આગના બનાવને લઈ તાત્કાલિક વડોદરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ તુરંત સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે મકાનમાં રહેલ ગીઝર અને વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ બહાર લગાવેલ ગીઝરમાં લાગી હતી અને પાછી નીચે રહેલ વોશિંગ મશીનમાં પ્રસરતા આગ વધુ વિકરાળ બની હતી. જો કે અમારી ટીમે તાત્કાલિક પહોંચી ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી.


