જયરત્ન સોસાયટીમાં આગ લાગતા પ્રથમ માળ બળીને ખાખ, બીજા માળે ફસાયેલા 10 વર્ષીય બાળકનું રેસ્ક્યૂ

ગોત્રી વિસ્તારમાં મકાનના ભયાનક આગ લાગી હતી, ફટાકડા અને કેમિકલ હોવાથી બ્લાસ્ટ થયા

MailVadodara.com - Fire-breaks-out-in-Jayaratna-Society-first-floor-gutted-10-year-old-boy-trapped-on-second-floor-rescued

- આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરનો ઘરવખરી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો, ફાયર બ્રિગેડ ની ત્રણ ટીમોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો


વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મધર્સ સ્કૂલ પાસે ઇન્દિરા નગરની સામે આવેલી જયરત્ન સોસાયટીના એક મકાનના બીજા માળે અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્રીજા માળે ફસાયેલા બાળકને રેસ્ક્યુ કરીને તેને બચાવી લીધું હતું.


વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા જયરત્ન સોસાયટીમાં આવેલ બે માળના એક મકાનમાં પહેલા માળે રાખેલા ફટાકડાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. વારંવાર ફટાકડાના બ્લાસ્ટ થતા હોવાથી સ્થાનિક લોકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. આગની જાણ થતાં જ વાસણા અને વડીવાડી ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.


ફાયર બ્રિગેડના જવાનોએ ઘરમાં ફસાયેલા 10 વર્ષના બાળક જૈમિન કરશનભાઈ ડોડીયાને સુરક્ષિત બહાર કાઢીને તેમનું રેસ્ક્યુ કર્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરનો ઘરવખરી સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું મુખ્ય કારણ ફ્લેટમાં રાખેલા ફટાકડા હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, આ ફટાકડા ઘરમાં રાખવાની મંજૂરી લીધી હતી કે, ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા તે અંગે તપાસ ચાલુ છે. 

વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોત્રી વિસ્તારમાં અયપ્પા મંદિર પાસે બે માળની રહેણાંક બિલ્ડિંગ આવેલી છે. ત્યાં આગ લાગી હોવાનો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનથી અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે અમે અહીં આવ્યા ત્યારે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી વાસણા અને વડીવાડી ફાયર સ્ટેશનથી વધારાની ગાડીઓ મંગાવવામાં આવી હતી. હાલ કુલ 3 ફાયર ટીમો કાર્યરત થઈ હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બિલ્ડિંગના પ્રથમ માળે ઘણો બધો સામાન સ્ટોર કરેલો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્યાં ફટાકડા અને કોઈ અજાણ્યા કેમિકલનો સ્ટોક હતો, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. પ્રથમ માળ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં બધી જ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. બીજા માળે એક બાળક ફસાયેલું હતું, જેને અમારી ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધું છે. હવે ધુમાડો પણ કંટ્રોલમાં છે.

તેઓએ કહ્યું હતું કે, મકાન માલિક સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ઘરમાં કોઈના લગ્ન હોવાથી ફટાકડાનો જથ્થો ત્યાં રાખવામાં આવ્યો હતો. જોકે, ત્યાં કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર કે સુરક્ષાના સાધનો જોવા મળ્યા નથી.

Share :

Leave a Comments