- ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ પાસે આવેલ વોલ્ટેમ્પ કંપનીમાં વહેલી સવારે આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ વહેલી સવારે હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા અફરાતફરીનો માહોલ સામે આવ્યો હતો. ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
વહેલી સવારે લાગેલી આ આગમાં ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. કંપનીના કર્મચારીના જણાવ્યા અનુસાર, આ આગ એક રૂમમાં લાગી હતી કે, જ્યાં પુઠ્ઠા, લાકડા અને ભંગાર સામાન પડ્યો હતો. આ આગ વહેલી સવારે હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી, આ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

આ બનાવ અંગે જીઆઇડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદાન ગઢવીએ જણાવ્યું હતું કે, માણેજા પાસે વોલ્ટેમ્પ કંપનીમાં આગ લાગી હોવાનો વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. સ્ક્રેપનો સમાન જેમાં પૂઠાં લાકડા અને પ્લાસ્ટિકની વસ્તુ હતી તે જગ્યાએ આગ લાગી હતી.
વધુમાં જણાવ્યું કે, આ આગમાં બે ગાડીઓ કામે લાગી હતી. સ્મોક બહાર આવતો હોવાથી વિજિબિલિટી ઓછી હતી જેમાં આગ ઓલાવવામાં મુશ્કેલી પડી હતી. જેમ જેમ સ્મોક ઓછો થયો તેમ તેમ આગ પર કંટ્રોલ મેળવ્યો હતો. આ સાથે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા નવાબના વડા મસ્જીદ પાસે મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ફાયર વિભાગને કોલ મળ્યો હતો. જેને વીજ પુરવઠો બંધ કર્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


