- સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 8 લાખનો દંડ વસૂલાયો, રેસ્ટોરન્ટ-દુકાનો સામે ચેકિંગ ચાલુ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્વિમ ઝોનમાં ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ વેપારીઓ પાસેથી રૂા.૨,૦૯,૮૦૦નો દંડ વસૂલાયો છે, જ્યારે સપ્ટેમ્બર મહિના દરમિયાન કુલ રૂા.૮ લાખનો દંડ વસૂલાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્વિમ ઝોનમાં વોર્ડ નંબર ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ અને વોર્ડ ઓફિસર મિલન શાહ, સેનેટરી ઈન્સપેક્ટર સહિતની ટીમોએ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.
ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે વોર્ડ નંબર ૯માં સ્ટેલર કિચન (રેસ્ટોરન્ટ)ને રૂા.૨૫ હજાર, દર્શન રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટને રૂા.૨૦ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બદલ અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર (ગોત્રી-સેવાસી રોડ)ને રૂા.૫ હજારનો દંડ કરાયો છે. વોર્ડ નંબર ૧૨માં રામદેવ પંજાબીખાના (અટલાદરા-પાદરા રોડ)ને અખાદ્ય ખોરાક અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે રૂા.૫ હજારનો દંડ ફટકારાયો છે.
ઉપરાંત નવા માંજલપુર બ્રિજ ખાતે ગંદકી અને કાટમાળ નાખવા બદલ કેટલાક બેદરકારો પાસેથી રૂા.૧૩,૫૦૦ વસૂલાયા છે. વોર્ડ નંબર ૧૦માં એમ્પાયર બિલ્ડકોન મોલ (નિલામ્બર સર્કલ)ને જાહેરમાં કાટમાળ નાખવા બદલ રૂા.૨૦ હજારનો દંડ કરાયો છે. અન્ય કોમર્શિયલ એકમો, દુકાનો અને લારી- ગલ્લા ધારકો પાસેથી ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે રૂા.૫૧ હજારનો દંડ વસૂલાયો છે. વોર્ડ નંબર ૮ના અલકાપુરી અને સુભાનપુરા વિસ્તારમાં રાજ કેળા વેફર્સ, વિશાલ દાળવડા, રાધિકા ફરસાણ, શ્રીનાથ ખીચડી, ન્યુ રાજુ પંજાબીખાના, રજવાડી ચા, સંજુ ફ્રૂટ સેન્ટર સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.


