દિવાળીપુરામાં બાલાજી સાઉથ કોર્નરમાં ગંદકી અને અનહાયજેનિક ખોરાક મળ્યો, રૂા.10 હજારનો દંડ

નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું

MailVadodara.com - Filth-and-unhygienic-food-found-at-Balaji-South-Corner-in-Diwalipura-10-000-fine-imposed

- રસોડામાં સફાઈનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું, 3 દિવસમાં સુધારા માટે નોટિસ અપાઈ

- પાલિકાની કાર્યવાહીથી અસ્વચ્છતા અને નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સ્થાનિક વોર્ડ ઓફિસની સંયુક્ત ટીમે શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. પાલિકાની અચાનક કાર્યવાહીથી અસ્વચ્છતા અને નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. દિવાળીપુરા વિસ્તારમાં આવેલી કોર્ટની બિલકુલ સામે સ્થિત બાલાજી સાઉથ કોર્નર નામની જાણીતી દુકાન અને રેસ્ટોરન્ટમાં આરોગ્ય ટુકડી દ્વારા દરોડો પાડીને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.


તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમને રેસ્ટોરન્ટમાંથી અત્યંત બિનઆરોગ્યપ્રદ અને અનહાયજેનિક પરિસ્થિતિમાં રાખવામાં આવેલો ખોરાક મળી આવ્યો હતો, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેમ હતો. આ ઉપરાંત, રેસ્ટોરન્ટના પરિસરમાં ચારેય તરફ ભારે ગંદકી જોવા મળી હતી અને રસોડાના ભાગમાં સફાઈનો સંપૂર્ણ અભાવ વર્તાતો હતો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ વોર્ડ ઓફિસના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી.

સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે છતાં કેટલાક બેજવાબદાર વેપારીઓ તેનો બેફામ ઉપયોગ કરી રહયા છે. તંત્ર દ્વારા વારંવારની સૂચના બાદ પણ કેટલાક વેપારીઓ વધુ કમાણી કરવા માટે પેતરા કરી રહયા છે. પાલિકાની તપાસ દરમિયાન પર્યાવરણ અને સરકારી નિયમોના ધજાગરા ઉડાડીને વાપરવામાં આવતું સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ મોટા જથ્થામાં મળી આવ્યું હતું. આ તમામ ગંભીર અનિયમિતતાઓ અને નિયમોના ભંગ બદલ પાલિકાની ટીમે સ્થળ પર જ કડક કાર્યવાહી કરી હતી.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 'બાલાજી સાઉથ કોર્નર'ના સંચાલકોને રૂ. 10,000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે પાલિકા તંત્ર દ્વારા કડક આદેશ સાથેની એક નોટિસ પણ પાઠવવામાં આવી છે, જેમાં આગામી ત્રણ દિવસની અંદર રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારની સાફ-સફાઈ પૂર્ણ કરવા, અનહાયજેનિક ખોરાકનો નિકાલ કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરીને તમામ નીતિ-નિયમોનું પાલન કર્યા અંગેનો રિપોર્ટ પાલિકા સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નિયત સમયમર્યાદામાં સુધારો કરવામાં નહીં આવે તો રેસ્ટોરન્ટ સામે વધુ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Share :

Leave a Comments