વડસર બ્રિજ નીચે વાહન પાર્ક કરવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી, ઘટના સીસીટીવીમાં કેદ

માંજલપુર પોલીસમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી, વધુ તપાસ હાથ ધરાઈ

MailVadodara.com - Fight-breaks-out-between-two-groups-over-parking-under-Vadsar-Bridge-incident-captured-on-CCTV

- પાર્કિંગ મુદ્દે બોલાચાલી બાદ હુમલો, 4 શખ્સોએ મળીને જીમ સંચાલક અને તેના ભાઈને માર માર્યો, જીમ સંચાકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા


વડોદરા શહેરના વડસર બ્રિજ નીચે આવેલા જીમની બાજુમાં વાહન પાર્ક કરવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. CCTVમાં સ્પષ્ટ દેખાય છે કે, 4 લોકો મળીને જીમ સંચાલકને મારતા દેખાય છે. આ ઘટનામાં જીમ સંચાલકને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીમ સંચાલકના કહેવા પ્રમાણે રવિવારે જીમ બંધ હોવાથી અમારા ગ્રાહકના વાહન પાર્કિંગ કરવાનો સવાલ જ ઉભો થતો નથી. એ લોકોએ ખોટા આક્ષેપ કરીને મને અને મારા ભાઈને માર માર્યો હતો. એ લોકો તીક્ષણ હથિયાર લઈને આવ્યા હતા. એ પણ CCTV પણ દેખાય છે.

વડસર બ્રિજ નીચે આવેલા આર.કે. ફિટનેસ જીમ ચલાવતા રોશન રામચંદ્ર કુશવાહાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે રવિવારે તેમના નાના ભાઈ ઉત્તમે ફોન કરી જણાવ્યું હતું કે, જીમની બાજુમાં રહેતા લોકો પાર્કિંગના મુદ્દે ગૌતમ સાથે ઝઘડો કરી રહ્યા છે. જેથી રોશન સાંજે આશરે 535 વાગ્યે જીમ ખાતે પહોંચ્યા હતા.


આ સમયે જીમની બાજુમાં રહેતા જયેન્દ્રસિંહ ગણપતસિંહ પઢિયાર, તેમના ભાઈ તખતસિંહ ગણપતસિંહ પઢિયાર, માતા ગંગાબેન પઢિયાર તેમજ તેમના સંબંધી રાહુલસિંહ દિલીપસિંહ જાદવ ગૌતમ સાથે બોલાચાલી કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રોશન તેમને સમજાવવા જતા ચારેયે તેની સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

આ ઉપરાંત જયેન્દ્રસિંહ અને તખતસિંહ લાકડાનો ડંડો લઈ આવ્યા હતા અને રોશનના માથાની જમણી બાજુ કાન ઉપર તેમજ શરીરના અન્ય ભાગે માર મારતા ઈજા થઈ હતી અને લોહી નીકળ્યું હતું. ત્યારબાદ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારજનો અને મિત્રો આવી જતા રોશનને છોડાવ્યો હતો અને 108 મારફતે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સામા પક્ષે પણ ફરિયાદ


બીજી તરફ રાહુલસિંહ દિલીપસિંહ જાદવે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રવિવારે સાંજે આશરે 5.30 વાગ્યે પોતાના મામા જયેન્દ્રસિંહ પઢિયારના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમના મામાના ઘર પાસે કોઈ અજાણ્યા વ્યક્તિએ કાર પાર્ક કરી હતી. કાર જીમમાં આવતા વ્યક્તિની હોવાનું માનીને મામા સાથે તેઓ આર.કે. ફિટનેસ જીમ પાસે ગયા હતા. જ્યાં રોશનના નાના ભાઈ ગૌતમને કાર હટાવવા કહેતા તેણે રોશનને બોલાવ્યો હતો. રોશન ત્યાં આવી જયેન્દ્રસિંહને ગાળો આપી મારા નાના ભાઈને કેમ ડરાવે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ રાહુલસિંહ અને તખતસિંહ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન રોશનના પિતા રામચંદ્ર કુશવાહા અને માતા લલીતાદેવી પણ સ્થળ પર આવી ગયા હતા અને તેમની સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. રોશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર બનાવ અંગે બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


RK જીમના સંચાલક રોશન કુશવાહાએ જણાવ્યું હતું કે, હું વડસર બ્રિજ પાસે 'RK ફિટનેસ' નામનું જીમ ચલાવું છું. અમારા જીમની બાજુમાં જ કેટલાક લોકો રહે છે. હું સામાન્ય રીતે લોકો સાથે કોઈ ખોટો મતભેદ કે લેવાદેવા રાખતો નથી, પરંતુ તે લોકો અવારનવાર વિવાદ ઊભો કરતા રહે છે. આ અંગે મેં અગાઉ પણ ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને અરજી આપેલી છે. અગાઉ પણ તેઓએ મને ધમકી આપી હતી કે, 15 દિવસમાં તને જોઈ લઈશ અને મારી નાખીશ. આ જ જૂની અદાવત અને ખાર રાખીને, રવિવારના દિવસે જ્યારે જીમ બંધ હતું, ત્યારે તેઓએ આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હતો.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે જીમ બંધ હોવાનો લાભ લઈને તેઓએ પહેલાં મારા ભાઈ સાથે મારપીટ કરી હતી. હુમલો કરવા માટે તેઓ ધારદાર હથિયારો અને લોખંડના પાઇપ સાથે આવ્યા હતા. ભાઈએ મને ફોન કરીને ઝઘડા વિશે જાણ કરી, એટલે હું ત્યાં પહોંચ્યો હતો. હું ત્યાં પહોંચીને હજુ તો ખાલી પૂછપરછ જ કરી રહ્યો હતો, ત્યાં જ તેમના ઘરના 4-5 લોકો બહાર આવ્યા અને મારા પર સીધો જીવલેણ હુમલો કરી દીધો, જેના કારણે મને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.


તેઓએ ઉમેર્યું હતું કે, હુમલા બાદ મેં તરત જ 100 નંબર અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેના પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ તેઓ સતત ધમકીઓ આપી રહ્યા છે કે, 15 દિવસમાં તને પતાવી દઈશું અને તું જીવતો નહીં બચે. તે લોકો રોડ પર ગેરકાયદેસર કબ્જો કરીને અડધો રસ્તો બ્લોક કરી દે છે અને પાર્કિંગ કે અન્ય બાબતોને લઈને વિવાદ ઊભો કરે છે. મારા વિરુદ્ધ જે પણ વાતો કે ફરિયાદો કરવામાં આવી રહી છે તે સાવ ખોટી છે. આખી ઘટનાના તમામ દ્રશ્યો CCTV કેમેરામાં કેપ્ચર થયેલા છે, જેનાથી સત્ય સામે આવી જશે.

Share :

Leave a Comments