વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં શી ટીમની મહિલા કર્મીઓએ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં મહિલા પોલીસની ટ્રેડિશનલ પોશાકમાં સુરક્ષા ચકાસણી

MailVadodara.com - Female-personnel-from-the-She-Team-reviewed-security-arrangements-while-dancing-Garba-with-the-revelers-at-the-Vibrant-Navratri-Festival

- ડીસીપી મંજીતા વણઝારા અને એસીપી સી.એચ. આસુન્દ્રાએ ગ્રાઉન્ડ પર હાજર રહી સુરક્ષા વ્યવસ્થા ચકાસી, મહિલાઓમાં સુરક્ષાની ભાવના વધારવાનો પ્રયાસ

- DCPએ કહ્યું ગરબા ગ્રાઉન્ડમાં કે તેની આસપાસ જો કોઈ રોમિયોગીરી કરતું જણાશે, મહિલાઓની છેડતી કરશે તો પોલીસ તાત્કાલિક કડક પગલાં લેશે

વડોદરા શહેર પોલીસની 'શી ટીમ' દ્વારા નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક પ્રશંસનીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. રોજબરોજ અલગ-અલગ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચીને શી ટીમની મહિલા કર્મીઓ ટ્રેડિશનલ પોશાકમાં મહિલા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમે છે અને ગ્રાઉન્ડની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરે છે.

નવરાત્રિના બીજા નોરતે વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ ખાતે ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મહિલા સેલ(શી ટીમ)ના ઇન્ચાર્જ એસીપી સી.એચ. આસુન્દ્રા પણ હાજર રહ્યા હતા. આ અગ્રણી મહિલા અધિકારીઓએ ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સુરક્ષા વ્યવસ્થાની જાતે જ ચકાસણી કરી હતી.

પોલીસના આ ડર-મુક્ત અને લોકઉપયોગી અભિગમને કારણે ગરબા ગ્રાઉન્ડ પર આવતી માતાઓ અને બહેનોમાં સુરક્ષાની વિશેષ ભાવના જોવા મળી છે. શી ટીમની આ સક્રિયતાથી અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય છે અને વડોદરાવાસીઓ ઉત્સાહભેર તથા નિર્ભય બનીને નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે.

ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, અમારી શી ટીમ ઇન્ચાર્જ અને લોકલ ટીમ સાથે મળીને અમે સમગ્ર વડોદરા શહેરમાં નાઇટ પેટ્રોલિંગ અને બાઇક પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. શહેરના દરેક ગરબા વેન્યુ પર અમારી ટીમ જઈ રહી છે. દરેક ગ્રાઉન્ડ પર ખાનગી કપડાંમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ અને શી ટીમની મહિલાઓ તૈનાત કરવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડ કે તેની આસપાસ જો કોઈ પણ રોમિયોગીરી કરતું જણાશે, મહિલાઓની છેડતી કરશે કે કોઈને પણ અસુરક્ષાની ભાવના જણાશે, તો વડોદરા પોલીસ તાત્કાલિક કડક પગલાં લેશે. વડોદરાના તમામ નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં નવરાત્રિનો ઉત્સવ મણાવી શકે તે માટે પોલીસે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શી ટીમની અલગ અલગ ટીમો અલગ-અલગ ગરબા સ્થળોની સતત મુલાકાત લઈ રહી છે. વડોદરા પોલીસની શી ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમો અને સમગ્ર સ્ટાફ આખી રાત જાગીને સખત મહેનત કરી રહ્યો છે જેથી કરીને આ નવરાત્રિ મહોત્સવ એકદમ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય.

વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજક અપેક્ષા પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે અમે ગરબા ગ્રાઉન્ડ માટે ખાસ આસોપાલવ અને ગોટાના ફૂલોની થીમ પસંદ કરી છે. આપણી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્ય વખતે તોરણ બાંધવાની પરંપરા છે, તેથી મા અંબાના આ ચાચરચોકને સજાવવા માટે અમે આ સુંદર થીમ પર કામ કર્યું છે. આ અમારું સતત ત્રીજું વર્ષ છે અને વડોદરાના ખેલૈયાઓએ અમને પ્રથમ વર્ષથી જ અદભુત પ્રેમ અને પ્રતિસાદ આપ્યો છે.

Share :

Leave a Comments