- વ્હોટ્સએપ પરની લિંક પર ક્લિક કરતા જ OTP આવ્યો, ગણતરીની મિનિટોમાં જ ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થઇ જતાં દંપતીએ તુરંત મોબાઈલ ફેક્ટરી રિસેટ કરી સાયબર ક્રાઈમમાં જાણ કરી
વડોદરા જિલ્લાના અણખોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ અને તેમની પત્ની સાથે ઓનલાઈન છેતરપિંડી અંગેની ફરિયાદ મંજુસર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. દંપતીએ ઈન્ડસઈન્ડ બેંકના નામે આવેલા એક ફિશિંગ લિંક પર ક્લિક કરતાંની સાથે જ તેમના બંને ખાતામાંથી કુલ રૂપિયા 3,01,500ની રકમ ઠગબાજો દ્વારા ઉપાડી લેવામાં આવતા આખરે આ મામલે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે જીતેન્દ્રભાઈએ નોંધાવેલ ફરિયદમાં જણાવ્યું છે કે, ગત 10 ફેબ્રુઆરી, 2025ના તેઓ અને તેમની પત્ની ઘરે તેમના મોબાઈલના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. જેમાં ઈન્ડસઈન્ડ બેંકનું ડિસ્પ્લે પિક્ચર હતું. મેસેજમાં બેંક તરફથી મોકલવામાં આવી હોવાનું માનીને તેમણે તેમાં આવેલી લિંક પર ક્લિક કર્યું હતું. ક્લિક કરતાંની સાથે જ મોબાઈલ ઓટોમેટિક મોડમાં ગયો અને બેંકના OTPના મેસેજ આવવા લાગ્યા હતા.
થોડી જ મિનિટોમાં તેમની પત્ની તરલીકાબેન જીતેન્દ્રભાઈ પટેલના ખાતામાંથી એક બાદ એક એમ ત્રણ ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 2,87,000 અને જીતેન્દ્રભાઈના ખાતામાંથી 14,500 મળી કુલ 3,01,500ની રકમ ડેબિટ થઈ ગઈ હતી. આ બાદ ઠગાઈની ખબર પડતાંની સાથે જ તેમણે તાત્કાલિક મોબાઈલ ફેક્ટરી રિસેટ કરી નાખ્યો હતો. આ અંગે સાયબર હેલ્પલાઇન નંબર પર કોલ કરી જાણ કરતાં મંજુસર પોલીસ મથકે વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.


