- ફેસબૂકમાં રીકવેસ્ટ નાખી જાળ બિછાવી, ખેડૂતે પોતાના અને પત્નીના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યાં, લોનની લાલચ આપી પણ રકમ જમા થઈ નહીં
સોશિયલ મીડિયા અને સાયબર ફ્રોડ દ્વારા અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.ત્ યારે ફેસબુક એપ્લિકેશન પર લોન આપવાના લાલચે વિશ્વાસમાં લઈને વડોદરાના પાદરાના 62 વર્ષીય ખેડૂત સાથે રૂ. 4,20,000ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે.આ અંગે પાદરા પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, પાદરા ગામના પધારાઈ ચોકમાં રણવાળા ફળિયામાં રહેતા દિનેશ પટેલ ફેસબુકનો ઉપયોગ કરે છે. 18 ડિસેમ્બર 2025થી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમના ફેસબુક એકાઉન્ટમાં ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ મોકલી હતી, જે દિનેશભાઈએ સ્વીકારી લીધી હતી.
ત્યારબાદ તે વ્યક્તિએ ફેસબુક મારફતે લોન આપવાની લાલચ આપીને દિનેશભાઈને વિશ્વાસમાં લીધા હતા.દિનેશભાઈએ પોતાના તથા પત્ની સુસ્મિતાબેનના બેંક એકાઉન્ટમાંથી ગઠિયા દ્વારા મોકલેલા વિવિધ એકાઉન્ટ નંબરમાં કુલ રૂ.4,20,000ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
જોકે, વચન આપેલી લોનની રકમ ક્યારેય એકાઉન્ટમાં જમા થઈ ન હતી. આ બાબતે દિનેશભાઈએ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ કરી હતી, જેના પરિણામે રૂ. 10,500 વસૂલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં બાકીની મોટી રકમ હજુ સુધી મળી ન હોવાથી દિનેશભાઈએ પાદરા પોલીસમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


