કરજણના સણીયાદ ગામેથી ડિગ્રી વિના દવાખાનામાં દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટરની ધરપકડ

વડોદરા ગ્રામ્ય SOG પોલીસે મૂળ પશ્ચિમ બંગાળ વતની બોગસ ડોક્ટર શંકર સમંદરની ધરપકડ કરી

MailVadodara.com - Fake-doctor-arrested-from-Saniyad-village-of-Karjan-for-treating-patients-in-a-hospital-without-a-degree

- રેડ દરમિયાન આરોપીના કબ્જામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, બોટલો, બી.પી. માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ અને મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન મળી આવ્યો હતો


વડોદરા ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સણીયાદ ગામ ખાતે ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા શંકર સમંદર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ઓપરેશન પરાક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી, જેનો હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માનવ જીવનને જોખમમાં મૂકતી પ્રેક્ટિસો પર અંકુશ લાવવાનો છે.

SOG ટીમને ખાનગી બાતમી મળી હતી કે, સણીયાદ ગામમાં શંકર સમંદર, જેની પાસે કોઈ સક્ષમ ડિગ્રી કે લાઇસન્સ નથી, તે ગેરકાયદેસર રીતે એલોપેથી દવાઓનો જથ્થો રાખી દવાખાનામાં દર્દીઓની સારવાર કરે છે. આ બાતમીના આધારે SOG ટીમે ચોરંદા પી.એસ.સી.ના જવાબદાર અધિકારી સાથે મળી સણીયાદ ગામમાં રેડ કરી હતી.


રેડ દરમિયાન આરોપીના કબ્જામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, બોટલો, બી.પી. માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ અને મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન મળી આવ્યો હતો, જેની કુલ કિંમત રૂ. 13,933.66 છે. આમાં રૂ. 8,103ની દવાઓ અને મેડિકલ સામગ્રી, રૂ. 5,000નો મોબાઇલ ફોન અને રૂ. 830ની રોકડ રકમનો સમાવેશ થાય છે.

SOGએ ઝડપેલો બોગસ ડોક્ટર શંકર પરેશ સમંદર (મૂળ રહેઠાણ અંજનગઢ, પો. બઢકુલ્લા, પો.સ્ટે. તાહેરપુર, જિ. નડીઆ, પશ્ચિમ બંગાળ), હાલનું રહે કોઠીયા ગામ, માછી ફળિયું, મુકેશભાઈ માછીના ઘરમાં, તા. કરજણ, જિ. વડોદરા સામે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કરજણ પોલીસ સ્ટેશનમાં આ ગુનાની નોંધણી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય SOGએ જણાવ્યું કે, ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી જનતાના જીવન અને સલામતીનું રક્ષણ થઈ શકે.

Share :

Leave a Comments