ગોત્રી મેડિકલ કોલેજ બિલ્ડિંગના ચોથા માળે લેબની બહાર સેન્ટ્રલ એસીના આઉટડોર યુનિટમાં ધડાકો

એસી મશીનમાં અચાનક ગેસ લીક થવાને કારણે ધડાકો થતાં કેમ્પસ ધમધમી ઉઠ્યું હતું

MailVadodara.com - Explosion-in-the-outdoor-unit-of-the-central-AC-outside-the-lab-on-the-fourth-floor-of-the-Gotri-Medical-College-building

- કોલેજના ત્રીજા માળે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે ઘટના બની

- વિદ્યાર્થીઓને ગરમીમાં તકલીફ ન પડે તે માટે અન્ય હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી

વડોદરા શહેરની ગોત્રી જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એક પ્રચંડ બ્લાસ્ટના અવાજથી સમગ્ર કેમ્પસમાં ધમધમી ઉઠ્યું હતું. કોલેજ બિલ્ડિંગના ચોથા માળે લેબની બહાર રાખવામાં આવેલા સેન્ટ્રલ એસીના આઉટડોર યુનિટમાં આ ધડાકો થયો હતો. અવાજ એટલો જોરદાર હતો કે હોસ્પિટલ અને કોલેજના લોકો ડરના માર્યા બિલ્ડિંગની નીચે દોડી આવ્યા હતા.


આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલના સત્તાધીશો અને ટેકનિશિયનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, એસી મશીનમાં અચાનક ગેસ લીક થવાને કારણે ભારે દબાણ સર્જાયું હતું, જેના પરિણામે પ્રચંડ ધડાકો થયો હતો. સદનસીબે ધડાકા બાદ કોઈ આગ લાગવાની ઘટના બની ન હતી, પરંતુ મશીનને નુકસાન થયું છે. હાલ સુરક્ષાના ભાગરૂપે સેન્ટ્રલ એસી આઉટડોર યુનિટ બંધ કરી દેવામાં આવ્યા હતાં.

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કોલેજના ત્રીજા માળે વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી. જોકે, એસી યુનિટ્સ ખુલ્લી જગ્યામાં (ટેરેસ પર) હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી કે કોઈને ઈજા પહોંચી ન હતી. હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને ગરમીમાં તકલીફ ન પડે તે માટે અન્ય લેક્ચર હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉનાળાની ઋતુની શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે નિષ્ણાતોના મતે એસી યુનિટ્સની સમયસર સર્વિસ કરાવવી અનિવાર્ય છે. કોલેજ વહીવટી તંત્રએ જણાવ્યું છે કે, એસી સર્વિસ માટે એજન્સી હાયર કરેલી જ હોય છે અને વખતોવખત તેની ચકાસણી કરવામાં આવે છે. આ બનાવ બાદ સમગ્ર હોસ્પિટલના એસી યુનિટ્સની સુરક્ષા ચકાસણી હાથ ધરવામાં આવશે.

Share :

Leave a Comments