- યુવકને વ્યાજખોર જૈમિન પટેલે 14 લાખ વ્યાજે આપ્યા હતા, જે યુવકે ઓનલાઇન અને રોકડા ચૂકવવા છતાં વ્યાજખોરે કહ્યું આ માત્ર વ્યાજ છે, 14 લાખ લેવાના બાકી છે કહી પઠાણી ઉઘરાણી કરતો હતો
- વ્યાજખોરે સિકયુરીટી પેટે આપેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવીને ફસાવાની ધમકી આપી
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા વડદલા રોડ પર રહેતા ડ્રાઇવર યુવકને વ્યાજખોરે રૂપિયા 14 લાખ વ્યાજે આપ્યા હતાં. જેમાં યુવકે ઓનલાઇન તથા રોકડા મળીને પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી. વ્યાજખોર આતો માત્ર વ્યાજ ચૂકવ્યું છે હજુ રૂપિયા 14 લાખ લેવાના બાકી નીકળે છે તેમ કહી વધુ વ્યાજ અને નાણાંની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. જો રૂપિયા નહીં આપે તો તારા સિક્યુરિટી પેટે લીધેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવી ફરિયાદ નોંધાવીશ. ઉપરાંત યુવકને ગાળો ભાંડી ધમકી આપતા વ્યાજખોર વિરુદ્ધ યુવકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં વડદલા રોડ પર આવેલી બાલાજી રેસીડેન્સીમાં રહેતા વિનીત દિનેશભાઈ મસ્કે એ ફરિયાદ નોંધાવી છે કે ટ્રાવેલ્સમાં છુટ્ટક ડ્રાઇવર તરીકે કાર ફેરવી ગુજરાન ચલાવું છું. અમારી વડદલા રોડ પર શ્રી સાંઈ શ્રદ્ધા સલૂન આવેલી છે, ત્યાં વર્ષ 2021માં જૈમિન પરશોતમ પટેલ હેર કટીંગ આવતા હોય અને જૈમિન પટેલ અમારી બાલાજી રેસીડેન્સી વડદલા રોડ ખાતે અમારી પાડોશમાં રહેતા હોય સારી રીતે ઓળખતો હતો. તેઓએ મને જણાવ્યું હતું કે પૈસાની જરૂર હોય તો મને કહેજો જેથી વર્ષ 2023માં હુ આર્થીક સંકળામણની પરિસ્થિતીના કારણે રૂપિયાની જરૂર પડતા મે જૈમિન પટેલને વાત કરી હતી. તેઓ પાસેથી વર્ષ 2023થી 2024 દરમ્યાન રૂ.14 લાખ ટુકડે ટુકડે રોકડા અને ઓનલાઈન લીધા હતા.
આ સમયે તેઓએ મને વ્યાજ માટેની કોઈ વાત કરી ન હતી. આ દરમ્યાન જૈમિનએ મને જણાવેલ કે હું તને આટલી મોટી રકમ આપું છું. તે માટે તુ મને સીકયુરીટી પેટે તારા બેંક એકાઉન્ટના કોરા ચેક આપ તેમ કહેતા મારી પાસે કોઈ રસ્તો ન હોવાથી મારા ત્રણ ચેક કોરા મારી સહી કરીને તેમજ મારા મોટા ભાઈ પીયુષ મસ્કેના ચેક પણ રકમ લખ્યા વગર સહી કરીને સીક્યુરીટી પેટે આપ્યા હતાં.
ત્યારબાદ લીધેલ રૂપીયા પૈકી રૂ.11,53,690 મારા ગુગલ પેથી ઓનલાઈન તેમજ રૂ.2, 31, 410 રોકડા મળી કુલ રૂ. 14 લાખ જૈમિન પટેલને ચુકવી દીધા હતા અને મે જૈમિન પટેલ પાસેથી લીધેલ રૂપીયા તેઓને પરત ચૂકવી આપ્યા હોવા છતા આ જૈમિન પટેલ મારી પાસે વધુ રૂપીયા તથા વ્યાજની માંગણી કરતો હતો.
દરમ્યાન આરોપી કહેતો હતો કે, તમે જે રૂ.14 લાખ મને આપ્યા છે તે વ્યાજના છે. મારે હજુ તમારી પાસે રૂ.14 લાખ લેવાના બાકી છે તેમ કહી વધુ વ્યાજ, તેમજ નાણાની માંગણી મોબાઇલ ફોનમાં વોટસએપમાં કરી હતી. જો વધુ નાણા કે વ્યાજ નહી આપો તો તમે સીકયુરીટી પેટે આપેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવી તારા વિરુધ્ધ ફરીયાદ કરીશ તેમ કહી ગાળાગાળી કરી તને જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. જેથી પોલીસે વ્યાજખોર જૈમીન પટેલ (ઉ.વ. 54 રહે, નંદ આઇકોન , નારાયણ વાડી પાછળ અટલાદરા વડોદરા શહેર)ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.


