એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ તા.2 નવેમ્બરને રવિવારથી વડોદરા એરપોર્ટ પર નવી વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. પાર્કિંગ કોન્ટ્રાક્ટ મેસર્સ SS મલ્ટિ સર્વિસિસને આપવામાં આવ્યો છે, જે ગઇકાલથી નવા નિયમ સાથે નવો પાર્કિગનો ચાર્જ લાગુ કર્યો છે. આ નિયમ પ્રમાણે, પ્રાઇવેટ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે આઠ મિનિટ સુધી કોઈ ચાર્જ રહેશે નહીં, બાદમાં નિયત કરેલ ચાર્જ વસૂલવામાં આવશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સુધારેલી વાહન પાર્કિંગ નીતિ અનુસાર, એરપોર્ટ પરિસરમાં ત્રણ પૈડાવાળા વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે. આ નીતિનો ઉદ્દેશ્ય એરપોર્ટ પર વધુ સારું ટ્રાફિક વ્યવસ્થાપન, મુસાફરોની સુવિધામાં વધારો અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. પાર્કિંગ ટેરિફનું સમયપત્રક મુજબ વડોદરા એરપોર્ટ પર ફોર વ્હીલર્સ માટે બે કલાક પછી, દર કલાકે રૂ.10 નો વધારો થશે. ટુ વ્હીલર્સ માટે બે કલાક પછી, દર કલાકે રૂ.5 નો વધારો થશે. 7 કલાકથી વધુ અને 24 કલાક સુધી પાર્કિંગનો દર 30-મિનિટના દરના 300% હશે. મુસાફરો અને મુલાકાતીઓને તેઓ પાર્કિંગ માર્ગદર્શિકાનું પાલન કરે અને એરપોર્ટ પરિસરમાં વાહનોની સરળ અવરજવર માટે એરપોર્ટ અધિકારીઓને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
0-30 થી 30-120 મિનિટ માટે કોને કેટલો ચાર્જ
1. કોચ બસ ટ્રક (પિક અને ડ્રોપ બંને માટે) --- 170થી 250 રૂપિયા
2. ટેમ્પો / SUV / મીની બસ (07થી વધુ બેઠકો માટે) --- 60થી 80 રૂપિયા
3. કોમર્શિયલ કાર --- 43થી 98 રૂપિયા
4. ખાનગી કાર / SUV (07 બેઠકો સુધી) --- 30થી 40 રૂપિયા
5. ટુ વ્હીલર --- 10થી 15 રૂપિયા - બે કલાક પછી દર કલાકે રૂપિયા ૫નો વધારો થશે
6. ફોર વ્હીલર્સ --- બે કલાક પછી દર કલાકે રૂપિયા ૧૦નો વધારો થશે


